જમ્મુ અને કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શોપિયાં જિલ્લાના ઝૈનાપોરાના મંજ માર્ગ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 3 આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે. આ ઓપરેશન 1RR, 178 CRPF અને બાકીના મળીને કરવામાં આવ્યું છે.
માર્યા ગયેલા 3 સ્થાનિક આતંકવાદીઓમાંથી 2ની ઓળખ થઈ ગઈ છે. એક આતંકીની ઓળખ શોપિયાંના લતીફ લોન તરીકે થઈ છે. તે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટની હત્યામાં સામેલ હતો. બીજા આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે. તે અનંતનાગનો હતો અને નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. આ સિવાય જવાનોને 1 એકે 47 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી છે. આ જાણકારી ADGP કાશ્મીર દ્વારા આપવામાં આવી છે.
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં એક આતંકવાદીનું ઘર બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું. સરકારે બુલડોઝર વડે આતંકવાદીઓના ઘર તોડી પાડીને સંદેશો આપ્યો હતો કે, આતંકવાદનો માર્ગ અપનાવનારાઓ સાથે કડક કાર્યવાહી કરવા તૈયાર છે. આતંકવાદી આશિક નાંગરૂ જમ્મુ-કાશ્મીરમાં અનેક મોટા આતંકી હુમલાઓમાં સામેલ હતો. તેમના ઘરને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, આતંકવાદી આશિક નાંગરુ ભારત સરકારની આતંકી યાદીમાં સામેલ હતો. આ આતંકવાદીના ઘરને બુલડોઝર વડે તોડી પાડીને સરકારે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, જે પણ આતંકવાદમાં સંડોવાયેલા હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે ઓક્ટોબર સુધી 176 આતંકીઓ માર્યા ગયા છે. જેમાંથી 50 વિદેશી અને 126 સ્થાનિક આતંકવાદીઓ હતા. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં હાલમાં કુલ 134 સક્રિય આતંકીઓ હાજર છે. જેમાંથી 83 વિદેશી અને 51 સ્થાનિક આતંકવાદીઓ છે.






