સામાન્ય રીતે ફળોનો રાજા કેરી ઉનાળાની સીઝનનું ફળ છે તેની આવક માર્ચ મહિનાથી વધુ જોવા મળતી હોય છે. પરંતુ, પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ભરશિયાળે કેસર કેરીની આવક થતા આશ્ચર્ય સર્જાયું છે. ખંભાળા પંથકમાં કેટલાક આંબામાં કેરી આવતા શુક્રવારે 6 બોક્સનું 3100 રૂપિયા એક બોક્સના ભાવે વેચાણ થયું હતું. જયારે, શનિવારે 4 બોક્સનું રૂ.4000ના એક બોક્સના ભાવે વેચાણ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, હજુ મોટા ભાગના આંબામાં મોર પણ નથી આવ્યા ત્યારે યાર્ડ ખાતે કેરીની હરરાજી થતા ત્યાં, આવેલા ગ્રાહકોમાં અને ધંધાર્થીઓમાં પણ આશ્ચર્ય જોવા મળતું હતું. આ અંગે બાગાયત અધિકારી બી એ અડોદરીયાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે મોટેભાગે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી દરમિયાન આંબામાં ફલાવરિંગ થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસા બાદ છેલ્લે પડેલા વરસાદ ઉપરાંત કલાયમેટ ચેન્જના કારણે તથા તૌક્તે વાવાઝોડા બાદની અસરના કારણે કેટલાક આંબામાં બે માસ અગાઉ જ ફલાવરીંગ થયું હતું. દરિયાઈ પટ્ટીની ગરમ આબોહવા કેરીને માફક આવતા અને સારી માવજત કરવામાં આવતા ખંભાળા ઉપરાંત હનુમાનગઢ, બિલેશ્વરમાં પણ કેટલાક આંબામાં ફલાવરીંગ વહેલું જોવા મળ્યું છે.
ભર શિયાળે યાર્ડમાં કેરીના આગમન ને પગલે ધંધાર્થીઓ ઉપરાંત ખરીદી અર્થે આવતા ગ્રાહકો માં પણ કુતુહલ જોવા મળતું હતું અને કેટલાક પરિવારે કેરીની ખરીદી કરી શિયાળાની મોસમ માં પણ કેરીનો સ્વાદ ચાખ્યો હતો