ભાવનગરમાં આમ તો કોરોનાના કેસ નથી પરંતુ ચીન સહિતના દેશમાં વધેલા કોરોનાના કહેરના પગલે કેન્દ્ર સરકાર સતર્ક બની છે અને દેશમાં ફરીથી નિયંત્રણો માટે સંકેતો મળી રહ્યા છે. એ વચ્ચે ભાવનગરમાં બે દિવસ પૂર્વે ચાઇનાથી આવેલા એક યુવાનને કોરોનાના લક્ષણો જણાતા આરોગ્ય તંત્ર પણ સતર્ક બની ગયું છે. બીજી બાજુ આજે મ્યુ. કમિશનર ઉપાધ્યાય સર ટી. હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને કોરોના દર્દીઓને સારવાર માટેની સુવિધાઓ ચકાસી હતી.
ભાવનગરમાં બે દિવસ પૂર્વે ચાઇનાથી હવાઇ યાત્રા કરીને આવેલા એક યુવાનને શરદીના લક્ષણો જણાતા તેનો રેપીડ ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો છે. જાે કે, મ્યુ. આરોગ્ય તંત્ર દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ લઇને મોકલી અપાયા છે જેનું રિઝલ્ટ હજુ આવવાનું બાકી છે તેમ છતાં વિશ્વમાં હાલમાં કોરોનાને લઇને ઉભી થયેલી સ્થિતિના પગલે આરોગ્ય તંત્રએ આજે તાકીદે બેઠક યોજી અને જરૂરી શક્યતાઓ ચકાસી હતી. મ્યુ. આરોગ્ય અધિકારી ડો.સિંહાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં કોરોનાને કેસ નથી પરંતુ ભવિષ્યની સ્થિતિને ધ્યાને લઇને તંત્ર સતર્ક છે. હાલમાં ભાવનગરમાં તમામ અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના માટેના ટેસ્ટીંગ થઇ રહ્યા છે. આગામી દિવસોમાં ટેસ્ટીંગની સંખ્યા વધારવા પણ અમે નક્કી કર્યું છે.
દરમિયાનાં ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં આજે મ્યુ. કમિશનર વી.એન. ઉપાધ્યાયે પહોંચી અને કોરોના દર્દીઓને આપવામાં આવતી સારવાર સંદર્ભે ઓક્સિજન અને જરૂરી સાધનોની માહિતી મેળવી હતી. હોસ્પિટલના તંત્રવાહકોએ કોરોના સંદર્ભે સારવારની તમામ સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ હોવાની ખાત્રી પણ ઉચ્ચારી હતી તેમ જાણવા મળ્યું છે.