દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આરોપી આફતાબ પૂનાવાલાના ફ્લેટમાંથી મળેલા બ્લડ સેમ્પલ શ્રદ્ધાના જ છે. સેન્ટ્રલ ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટમાં પુષ્ટિ કરવામાં આવી છે કે, ઓક્ટોબરમાં આફતાબ પૂનાવાલાના દક્ષિણ દિલ્હીના ફ્લેટમાંથી મળેલા લોહીના નિશાન તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાના હતા. આફતાબ પર તેની પ્રેમિકાની હત્યા કર્યા બાદ મૃતદેહના 35 ટુકડા કરવાનો આરોપ છે. ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટ મુજબ શ્રદ્ધા વોકરના પિતા પાસેથી લીધેલા લોહીના સેમ્પલ અને ફ્લેટમાંથી લીધેલા સેમ્પલ મેચ થયા છે.
મહત્વનું છે કે, શ્રદ્ધાના પિતાના બ્લડ સેમ્પલ સાથે બ્લડ સેમ્પલનું મેચિંગ પોલીસના દાવાને પ્રસ્થાપિત કરે છે કે, કથિત ગુનો છતરપુરમાં ભાડાના ફ્લેટમાં કરવામાં આવ્યો હતો, જ્યાં શ્રદ્ધા અને આફતાબ બંને સાથે રહેતા હતા. 15 ડિસેમ્બરના રોજ પોલીસે જણાવ્યું હતું કે, દક્ષિણ દિલ્હીના જંગલમાંથી મળેલા હાડકાંના ડીએનએ વોકરના પિતાના હાડકા સાથે મેળ ખાય છે, જે 27 વર્ષીય શ્રદ્ધાના મૃત્યુની પુષ્ટિ કરે છે.
આરોપીએ જામીન અરજી પાછી ખેંચી
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ સાકેત કોર્ટમાંથી પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે. આફતાબના વકીલે આ માહિતી આપી છે. આ તરફ દિલ્હી પોલીસે આરોપી આફતાબની વોટ્સએપ ચેટ અને કોલ ડિટેલ્સ એક્સટ્રેક્ટ કરી છે. પોલીસ હવે આફતાબના અવાજના નમૂના લઈને કેસની તપાસમાં તેનો ઉપયોગ કરવા માંગે છે, જેના માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.