કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ઇન્ડીયન મેડીકલ એસોસિએશન તથા અન્ય મેડીકલ ઇન્સ્ટીયયુટ સાથેની બેઠકમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ સહિતના દેશોમાં જે રીતે કોરોના આગળ વધી રહ્યો છે તે જોતા જેઓએ અગાઉ બુસ્ટર ડોઝ લઇ લીધો હોય તેઓને હવે બીજો બુસ્ટર ડોઝ અને તે રીતે આગામી વર્ષે દેશના તમામ નાગરિકોને ડબલ બુસ્ટર ડોઝ આપી શકાય તે અંગે વિચારણા કરવા જણાવ્યું છે. જો કે અમેરિકા સહિતના દેશોમાં ત્રણથી ચાર ડોઝ બાદ પણ કોરોના સંક્રમણ આગળ વધ્યુ હોવાના સંકેત છે.
બીજી તરફ માંડવિયાએ કોવિડ અંગે સતત આવી રહેલા વિરોધાભાસી અહેવાલો પર તબીબો અને નિષ્ણાંતોને લોકોને સાચી માહિતી મળે તે માટે સક્રિય થવા અપીલ કરી હતી. જેના કારણે કોઇ વધારાની દહેશત સર્જાય નહીં. માંડવિયાએ આ જ બેઠકમાં કોવિડ નિયંત્રણ માટેના સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલા અંગે ચર્ચા કરી હતી. અને જણાવ્યું હતું કે ફક્ત ધારણા કે ખોટી માહિતીના આધારા લોકોમાં દહેશત ન ફેલાય તે જોવા માટે નિષ્ણાંતોએ આગળ આવવું જોઇએ.
ભારતમાં ફરી એક વખત કોરોના સંક્રમણની દહેશત શરુ થઇ છે અને સરકાર હવે દેશના તમામ લોકોને બુસ્ટર ડોઝ આપવા માટેની તૈયારી કરી રહી છે તે સમયે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ડબલ બુસ્ટર ડોઝની પણ આવશ્યકતા દર્શાવી છે.
2020માં ભારતમાં કોરોનાના આગમન બાદ દેશમાં 220 કરોડ વેક્સિન ડોઝ અપાયા છે અને માનવામાં આવે છે કે દેશના દરેક નાગરિકને ડબલ ડોઝ અપાય ગયા છે અને ચાલુ વર્ષે એક બૂસ્ટર ડોઝ પણ આરોગ્ય સેવા સાથે જોડાયેલા લોકો અને 60 વર્ષથી ઉપરના નાગરિકોને આપવામાં આવ્યો હતો પરંતુ બુસ્ટર ડોઝ લેનારનું પ્રમાણ અત્યંત નીચુ છે.