ગુજરાત એટીએસ અને ભારતીય તટ રક્ષક દળે છેલ્લે આશરે દોઢ વર્ષમાં 7 મેગા ઓપરેશનમાં કુલ રૂ. 1930 કરોડ જેટલું ડ્રગ્સ ઝડપ્યું છે. આ ઓપરેશન દરમિયાન ડ્રગ્સ જથ્થા સાથે 7 ઈરાની અને 44 પાકિસ્તાનીઓ ઝડપાયા છે. ગુજરાતના દરિયાકાંઠે થયેલા આ સાત મોટા ઓપરેશનમાં પહેલી વખત ડ્રગ્સ સાથે હથિયારોનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.એટીએસ તથા કોસ્ટ ગાર્ડની આ સધન અને પરિણામલક્ષી કામગીરી અભિનંદનને પાત્ર બની છે.
સોમવારે વહેલી સવારે પાકિસ્તાની માછીમારી બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. જેને જહાજ દ્વારા પડકારવામાં આવતા, પાકિસ્તાની બોટએ અણધારી દાવપેચ શરૂ કરી દીધી અને ચેતવણીના ગોળીબાર પર પણ તે અટકી ન હતી. કોસ્ટગાર્ડના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બોટની વ્યાપક શોધખોળ બાદ, કેટલાક હથિયારો, દારૂગોળો અને આશરે 40 કિલો માદક દ્રવ્ય, જેની કિંમત આશરે 300 કરોડ રૂપિયા છે. તે મળી આવતા તમામ માલસામાન સાથે 10 સભ્યની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે ઓખા લાવવામાં આવી છે. આ ડ્રગ્સની કોને ડિલિવરી કરવાની હતી, અગાઉ કોઈ જથ્થો ડિલિવર કર્યો છે કે કેમ? તે સહિતના સવાલોના જવાબ મેળવવામાં આવશે. છેલ્લા દોઢ મહિનામાં કોસ્ટગાર્ડ અને એટીએસનું આ 17મું સંયુક્ત ઓપરેશન હતું અને બે દાયકામાં ગુજરાત કાંઠે શત્રો-દારૂગોળો ઝડપાયાનો પહેલો બનાવ છે.






