ભાવનગરમાં સ્વચ્છતા જાળવણી તેમજ રખડતા ઢોરથી મુકત શહેર બનાવવા મ્યુ.કમિશનર ઉપાધ્યાયે ચેલેન્જ Âસ્વકારી હોય તેમ આજે સતત ત્રીજા દિવસે રાઉન્ડમાં નીકળ્યા હતા અને અસરકારક કામગીરી માટે કમર કસી રહ્યાં છે. આજે વહેલી સવારે કુંભારવાડા વોર્ડમાં પહોંચી કમિશનરે નોકરી પર મોડા આવેલા સિપાહીને શોકોઝ નોટીસ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ વોર્ડના જ સિપાહી અરુણભાઈ ભોપાભાઈ બુધેલીયાને સસ્પેન્ડ કરાયા છે જ્યારે સિપાહી રઘુભાઈ સોલંકીને શો-કોઝ નોટિસ આપી હતી.
આજે મ્યુ. કમિશનર સવારે ૬ઃ૩૦ વાગે કુંભારવાડા પહોંચી ગયા હતા, આ સમય સિપાહીએ હાજર રહેવાનો હોય છે પરંતુ તેઓ સ્થળ પર હતા નહિ. આથી શો-કોઝ નોટીસ ફટકારી હતી. જ્યારે ઉત્તર અને દક્ષિણ સરદારનગર વિસ્તારમાં ગાયત્રીનગર, શિવાજી સર્કલ વિગેરે સ્થળે રાઉન્ડ લઈ રજકા વાળાને પકડી લઇ સ્ટાફને બોલાવી કાર્યવાહી કરાવી હતી. એસ્ટેટ અને દબાણ હટાવ ટીમે આજે ૫૦ પોઇન્ટ પર તપાસ કરી હતી જેમાં જ્યાં જ્યાં રજકો વેચાતો હતો તે જપ્ત લીધો હતો. તંત્રએ ૨૫૦૦થી વધુ પૂળા તેમજ ૫ લારીઓ ઝપ્ત કરી હતી. જ્યારે રૂ.૧ હજારનો દંડ પણ કર્યો હતો. જ્યારે ત્રણ આસામી સામે પોલીસ કેસ કરવા તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. મ્યુ. કમિશનર ઉપાધ્યાયે ‘સૌરાષ્ટ્ર આસપાસ’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, હોદ્દાની રૂએ મે જાહેરનામું પ્રસિદ્ધ કરેલું છે જેમાં સ્પષ્ટ કર્યું હતું કે, હુકમનો અનાદર કરનાર સામે પોલીસ કાર્યવાહી થઇ શકે છે અને અધિકારીઓને આ માટે સુચના પણ આપી દેવાયેલી છે. આજે ત્રણ કિસ્સામાં પોલીસ કેસ કરવાની જરૂરીયાત જણાતા તે માટે આગળ વધવા મે સુચના આપી છે.
આમ મહાપાલિકા તંત્ર હવે સંપૂર્ણ એક્શન મોડમાં હોય તેમ પોલીસ કાર્યવાહી સુધી આગળ વધી રહ્યું છે જેના પગલે સબંધિતોમા સ્વાભાવિક જ ફફડાટ મચ્યો છે.
જાહેરમાં થુકનાર-કચરો ફેંકનાર ૨૮ આસામીને કોર્પોરેશને દંડ ફટકાર્યો
ભાવનગર મહાપાલિકામાં મ્યુ. કમિશનર સોલીડ વેસ્ટ વિભાગની કામગીરીથી નારાજ છે અને શહેરમાં સ્વચ્છતા માટે ત્રણ દિવસથી જાતે ફરી રહ્યા છે ત્યારે વિભાગ પર પણ પ્રેશર આવતા આખરે તંત્રવાહકો સક્રિય થયા હોય તેમ ગઇકાલે એક જ દિવસમાં જાહેરમાં કચરો ફેંકવો, કચરો સળગાવવો, થુકવું વિગેરે ન્યુસન્સ ફેલાવનાર ૨૮ નાગરિકોને ઝડપી લઇ રૂ.૯ હજારનો દંડ વસુલ્યો હતો તેમ માહિતી આપતા સોલીડ વેસ્ટ વિભાગના ઇજનેર હરીયાણીએ જણાવ્યું હતું.
આજે ૩૦ પશુ અમદાવાદ પાંજરાપોળ મોકલાશે
ભાવનગરમાંથી રખડતા પશુઓને ઢોરના ડબ્બે પુર્યા બાદ તેને અમદાવાદ પાંજરાપોળ મોકલવામાં છેલ્લા કેટલાય સમયથી અવરોધ હતો જે દુર થતા આજે ૩૦ જેટલા પશુઓને અમદાવાદ મોકલવામાં આવશે તેમ સૌરાષ્ટ્ર આસપાસ સાથેની વાતચીતમાં મ્યુ. કમિશનર ઉપાધ્યાયે જણાવ્યું હતું. આમ, શહેરમાંથી રખડતા પશુઓને ડબ્બે પુરવા સાથે આ પશુઓને પાંજરાપોળમાં પહોંચાડવાની કામગીરી પણ હવે શરૂ થઇ છે.
પ્લાસ્ટીક ડ્રાઇવમાં આઠ વેપારીઓ દંડાયા
મહાપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સક્રિય બનીને કાર્યવાહી હાથ ધરાતા સોમવારે શહેરની મુખ્ય બજાર તેમજ મામા ખાંડણીયા, આંબાચોક સહિતના વિસ્તારોમાં પ્રતિબંધીત પ્લાસ્ટીક સંદર્ભે ડ્રાઇવ ગોઠવી આઠ વેપારીઓ પાસેથી ૧૨ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત લેવાયો હતો અને રૂ.૪૦૦૦ દંડ ફટકારાયો હતો.