સ્વચ્છતા સર્વેક્ષણ સંદર્ભે છેલ્લા ચાર દિવસથી મ્યુ. કમિશનર વહેલી સવારે છ કલાકથી શહેરમાં સફાઈ બાબતે રાઉન્ડ લગાવી રહ્યા છે ત્યારે મંગળવારે ફરજ પર ગેરહાજર હોવાથી ડેપ્યુટી પર્યાવરણ એન્જિનિયર પણ ઝપટે ચડી ગયા હતા. તેમજ ઇન્ચાર્જ સિપાહીને પણ નોટિસ આપી હતી પરંતુ તંત્ર દ્વારા અધિકારીને અપાયેલી નોટીસ અંગેની વિગતો ખાનગી રખાઇ હતી.
કમિશનર ભરતનગર સહિતના વિસ્તારમાં રાઉન્ડમાં હતા તે દરમિયાન ડેપ્યુટી પર્યાવરણ એન્જિનિયર માનસી પટેલ ફરજ પર હાજર ન હતા. તદુપરાંત ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડના ઇન્ચાર્જ સિપાહી મગનભાઈ પણ ફરજમાં બેદરકાર હતા. જેથી બંનેને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલી કામગીરીમાં અધિકારીને અપાયેલી નોટિસ છુપાવી ઇન્ચાર્જ સિપાહીને અપાયેલી નોટીસ જ જાહેર કરવામાં આવી છે. ઇન્ચાર્જ સિપાહી પણ સામાન્ય સફાઈ કામદાર છે જેની પાસેથી સિપાહીનું કામ લેવાતું હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ સામાન્ય કામદારને સિપાહી બનાવી કામ લેવાય છે જ્યારે ફરજમાં બેદરકાર રહેતા તેને નોટિસ આપી અને જાહેર પણ કરાયું. જ્યારે અધિકારીને છાવરવાનો પ્રયાસ થયો છે. આ સામે કર્મચારી વર્ગમાં કચવાટ સાથે રોષ વ્યાપ્યો છે.