ભાવનગરમાં પરોઢીયે રાઉન્ડ લઇ શહેરમાં રખડતા ઢોર, સ્વચ્છતાનો અભાવ સહિતની કામગીરી અસરકારક બનાવવા મ્યુ. કમિશનરે શરૂ કરેલો સીલસીલો આજે પણ આગળ ધપ્યો હતો જેમાં મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસેથી એક બંધ કેબીનમાં રાખીને વેચાતો રઝકાનો જથ્થો કમિશનરે ડમી ગ્રાહક મોકલીને કારસ્તાન પકડી પાડ્યું હતું તો માલિકીના કેટલાક ઢોરો પણ રસ્તે રખડતા મળી આવતા આ કિસ્સામાં પોલીસ ફરિયાદ માટે આગળ વધવા સબંધિત અધિકારીને સુચના આપી હતી.
મ્યુ. કમિશનરે આજે તખ્તેશ્વર વોર્ડના કાળુભા, સર ટી. હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં રાઉન્ડ લીધો હતો. આ ઉપરાંત શહેરના પિરછલ્લા વિસ્તારમાં પણ રાઉન્ડ લેતા રાત્રિ દરમિયાન થતી સફાઇની કામગીરીમાં અસંતોષ જણાયો હતો આથી સુપરવાઇઝરને નોટિસ આપવા સોલીડ વેસ્ટ ઇજનેરને સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રઝકા ડ્રાઇવ સંદર્ભે મ્યુ. કમિશનરે શહેરમાં તપાસ આગળ ધપાવતા મંત્રેશ કોમ્પ્લેક્ષ નજીક એક કેબીનમાં શટર બંધ રાખીને ખાનગીમાં રઝકો રાખી તેનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવ્યું હતું આથી કમિશનરે ડ્રાઇવરને ડમી ગ્રાહક તરીકે મોકલી આ કારસ્તાન પકડી પાડી સ્ટાફને બોલાવી રઝકો જપ્ત લેવડાવી કાર્યવાહી કરાવી હતી. જ્યારે રાઉન્ડ દરમિયાન માલિકીના પશુઓ રસ્તે રખડતી હાલતે આજે પણ મળી આવતા તેના ફોટા પાડી લઇ ટેગીંગના આધારે પશુપાલકોની ઓળખ મેળવી તેની સામે પોલીસ એફ.આઇ.આર. કરવા સુચના આપી હતી. આમ, સાંજ સુધીમાં વધુ કેટલાક પશુપાલકો સામે જાહેર સેવકના જાહેરનામાના ભંગ બદલ પોલીસ કાર્યવાહી થઇ શકે છે. કમિશનરની સાથે આજે સિટી એન્જિનીયર ચુડાસમા, ડે.કમિશનર અડવાણી તથા વેટરનરી ઓફીસર હિરપરા પણ જાેડાયા હતાં.
ફરિયાદની રાહ ન જાેવો, નૈતિક્તાના ધોરણે કામગીરી શરૂ કરી દયો: કમિશનરે ક્લાસ લીધા
ભાવનગરમાં મ્યુ. કમિશનર ઉપાધ્યાય લગભગ સાતેક દિવસથી જાતે રાઉન્ડમાં નીકળી પડે છે અને રખડતા પશુ તથા સ્વચ્છતાના અભાવ મામલે સક્રિય કામગીરી કરાવી રહ્યા છે. આ ઉપરાંત તેમને ઉભરાતી ગટરો, તુટેલા રોડ, બગીચાની જાળવણીનો અભાવ સહિતની બાબતો પણ નજરે ચડતા ગત સાંજે સબંધિત વિભાગના ખાતા અધિકારીઓને બોલાવીને કમિશનરે ખખડાવ્યા હતા અને શહેરમાં મને ગંદકી સહિતના પ્રશ્નો દેખાય છે તો તમને કેમ દેખાતા નથી તેમ કહી લોકોની ફરિયાદ આવવાની રાહ જાેયા વગર નૈતિકતાના ધોરણે કામગીરી શરૂ કરી દેવા તાકીદ કરી હતી અન્યથા સસ્પેન્ડ સહિતની કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.