ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માતા હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમાચારની માહિતી મળતાં પ્રધાનમંત્રીએ તાત્કાલિક અમદાવાદ આવીને તેમની માતાના સ્વાસ્થ્યની જાણકારી પ્રાપ્ત કરી હતી.
હીરાબાની તબિયતમાં ઝડપી સુધારો થાય તેવી આશા વ્યક્ત કરતાં પરમ પૂજ્ય મોરારી બાપૂએ તેમની વ્યાસપીઠ ઉપરથી જણાવ્યું હતું કે, મારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા તમામ લોકો માતા હીરાબાના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થાય તેવી પ્રાર્થના કરે છે.
તેમણે ઉમેર્યું હતું કે, હીરાબા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હોવાની સાથે-સાથે આપણા સૌ માટે પૂજ્ય છે. દેશના તમામ લોકો ઉપર તેમના આશિર્વાદ બની રહે તેવી પ્રાર્થના.