2022ના વર્ષની વિદાય તો નવી આશા-ઉમંગ લઈને આવી રહેલા 2023ના વર્ષને ‘વેલકમ’ કરવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વર્ષની વિદાય અને નવા વર્ષને વેલકમ કરવા માટે આતૂરતા સાથે અલગ-અલગ પ્રકારનું પ્લાનિંગ કરી રહ્યા છે. જો કે આ વર્ષે પોલીસની જબદરસ્ત ધોંસ હોવાને કારણે બૂટલેગરો પાસેથી સરળતાથી દારૂ મળી રહ્યો ન હોય પ્યાસીઓ પોતાની પ્યાસ ઘરઆંગણે પૂર્ણ નહીં થઈ શકે તેવું માનીને અત્યારથી જ દીવ-દમણ-ગોવા-મુંબઈ તરફ દોટ લગાવતાં થઈ ગયા છે જેના કારણે અત્યારે ફ્લાઈટ, બસ, ટ્રેન સહિતમાં જોરદાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે.
ઘણા વર્ષો પછી વિકેન્ડમાં થર્ટી ફર્સ્ટ આવતી હોવાથી અનેક લોકોએ શુક્ર-શનિ-રવિ એમ ત્રણ દિવસનો ‘મેળ’ કરીને ફરવા ઉપડી ગયા છે. આમ તો આ તહેવારમાં પણ પરિવાર સાથે ફરવા જવાનો ટ્રેન્ડ હોય છે પરંતુ ખાસ કરીને જ્યારે વાત પ્યાસીઓની આવે ત્યારે તેઓ પરિવારની જગ્યાએ મીત્રવર્તુળ સાથે બહારગામ જવાનું પસંદ કરતાં હોવાથી તેમણે મુંબઈ-ગોવા તરફ પ્રયાણ કરી લીધું છે. આ ઉપરાંત દીવની બસ પણ અત્યારે હાઉસફૂલ જઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત આબુ તરફનો ધસારો પણ અદ્ભુત હોવાથી ત્યાંથી હોટેલો પર હાઉસફૂલના પાટિયા ઝુલતાં જોવા મળી રહ્યા છે.
આવી જ રીતે જેમની પાસે જ દારૂની પરમીટ છે તેવા પરમીટધારકોએ વર્ષના છેલ્લા મહિનાનો ક્વોટા છેલ્લા દિવસે પૂર્ણ કરી લેવાનો હોવાથી તેમણે સવારથી જ વાઈનશોપ ઉપર પહોંચી જઈને ચપોચપ દારૂની ખરીદી કરવાનું શરૂ કરી દેતાં અત્યારે દરેક વાઈન શોપમાં ‘રનિંગ’ બ્રાન્ડનો દારૂ ખૂટી પડ્યો છે. બીજી બાજુ ‘શોખીન’ લોકો ઈમ્પોર્ટેડ દારૂની ખરીદી કરવા લાગતાં એકંદરે બે દિવસની અંદર વાઈનશોપનો વેપાર રેકોર્ડબ્રેક થવાની સંભાવના પણ નકારી શકાતી નથી. પરમીટ નથી છતાં છાંટોપાણી કરવાની ટેવ અથવા તો શોખ છે તેવા લોકોએ બૂટલેગરો તરફ નજર માંડી છે. અમુક બૂટલેગરો એવા પણ છે જેઓ પોલીસનો ડર રાખ્યા વગર ધંધો કરવા ટેવાયેલા હોવાથી તેઓ આ બે દિવસ દરમિયાન ગમે એવડું મોટું જોખમ લઈને દારૂનો ધંધો કરવા મેદાને ઉતરી ગયા છે કેમ કે તેમને પણ ખબર છે કે આ બે દિવસ દરમિયાન પ્યાસીઓ પાસે જેટલા પૈસા માંગશું એટલા રૂપિયા મળશે. આ જ કારણથી તેમણે અગાઉથી સ્ટોક કરી રાખેલો દારૂનો જથ્થો મોંઘા ભાવે અત્યારે ક્લિયર કરવા લાગ્યા છે.
અનેક એવા ‘પાર્ટીરસિયા’ઓ છે જેઓ હોટેલ-ફાર્મહાઉસમાં મિત્રો સાથે પાર્ટી કરવાનો શોખ ધરાવતા હોવાથી શહેરની નાની-મોટી હોટેલોમાં બુકિંગ કરાવી લીધું છે તો અનેક શોખીનો એવા પણ છે જેઓએ બહાર આવેલા ફાર્મહાઉસ અને હોટેલોમાં ધામા નાખી રહ્યા છે.