જૈન તીર્થનગરી પાલીતાણા ખાતે યુનિયનના નામે લાયસન્સ આપી ડોળીવાડા અને મજૂરો પાસેથી છેલ્લા ૨૧ વર્ષથી ઉઘરાણો કરતા પ્રમુખ પાસે ડોલીવાળાઓએ હિસાબની માંગણી કરતા ઉશ્કેરાયેલા પ્રમુખે ધમકી આપી ગેરકાયદે લાયસન્સ અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ મફતમાં નોંધાઇ હતી.
આ અંગે મળતી વિગતો મુજબ જૈન તીર્થનગરી પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજય પર્વત પર યાત્રાળુઓને ડુંગર ઉપર ચડાવી અને ઉતારવા માટે ડોળીવાળાઓનું યુનિયન વર્ષ ૨૦૦૨ થી કાર્યરત છે. જેમાં ૧૨૪૧ દોરીવાળા અને ૮૦૦ જેટલા મજૂરો જાેડાયેલા છે.
યુનિયન શરૂ થયું ત્યારથી જ પ્રમુખ તરીકે મનાભાઈ ભોપાભાઈ રાઠોડ રહે. પાલીતાણાવાળા સરકારની મંજૂરી ન હોવા છતાં ડોળીવાળાઓ પાસેથી દર વર્ષે રૂ. ૨૦૦ અને મજૂરો પાસેથી રૂપિયા ૧૫૦ ઉઘરાવી લાયસન્સ આપતા હતા.
આ અંગે ડોળીવાળા નાનુભાઈ હિરજીભાઈ મકવાણા, રાજેશભાઈ ભુપતભાઈ પરમાર, રાઘવભાઈ પોપટભાઈ બોળીયા, અરવિંદભાઈ દેવીપુજક, કિશોરભાઈ દેવીપુજક સહિતનાએ મનાભાઈ પાસે દર વર્ષે કરવામાં આવતા ઉઘરાણાનો હિસાબ માંગતા ઉશ્કેરાઈ ગયેલા મનાભાઈએ અહીં અમારું જ રાજ ચાલે છે, જેમાં કોઈએ દખલગીરી કરવી નહીં અને ફરજિયાત આ લાયસન્સ લેવું પડશે તેવી ધમકી આપી હતી.
આ અંગે ડોળીવાળા નાનુભાઈ વિરજીભાઈ મકવાણાએ મનાભાઈ ભોપાભાઈ રાઠોડ અને તેના ભાઈ લાલાભાઇ વિરુદ્ધ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ લાઇસન્સ આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા પાલીતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.