વરતેજ તાબેના ફરિયાદકા ગામમાં રહેતા અને તગડીમાં આવેલ ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધની તબિયત અચાનક લથડતા સીદસર દવાખાને લઈ જવાયા હતા જ્યાં વધુ તબિયત લથડતા ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામા આવતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે સીદસરના તબીબની બેદરકારીથી વૃદ્ધનું મોત થયું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરી પેનલ પી.એમ. કરાવવાની માંગ કરી હતી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ વરતેજના ફરિયાદકા ગામે રહેતા અને તગડી ખાતે આવેલી ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ મેઘજીભાઈ બોરીચા ( ઉં.વ. ૫૮ ) નોકરીના સ્થળે હાજર હતા તે દરમિયાન તેમને ઉલટી,ઉબકા અને ચક્કર આવતા સારવાર માટે સીદસર ગામમાં આવેલ દવાખાને લઈ જવાય હતા અને ત્યાર બાદ ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે પરિવારજનો દ્વારા સિડસરના તબીબની બેદરકારીથી વૃદ્ધનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ અંગે હોસ્પિટલ પોલીસે વરતેજ પોલીસને જાણ કરી હતી.






