વિશ્વભરમાં ફરી વખત લોકોને ભયભીત કરી રહેલા કોરોનાની હૃદય અને ફેફસામાં લાંબા વખત સુધી અસર રહેતી હોવાનું સાબિત થઇ જ ગયું છે. ગુજરાતમાં ગત વર્ષ દરમિયાન હૃદય અને શ્વાસોશ્વાસની બિમારીના ઇમરજન્સી કોલમાં મોટો વધારો થયો હોવાનો આંકડાકીય રિપોર્ટ જાહેર થયો છે તેના પરથી કોવિડની આફટર ઇફેક્ટ હજુ ચાલુ જ હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે.
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાના કેસો ઘણા મહિનાઓથી કાબૂમાં આવી ગયા છે અને મહામારીનો ખાત્મો થઇ ગયાનું ચિત્ર સર્જાયુ છે. 2022ના 108 એમ્બ્યુલન્સના ઇમરજન્સી કોલના રિપોર્ટ પર નજર કરવામાં આવે તો શ્વાસોશ્વાસ અને હૃદયરોગના ઇમરજન્સી કોલની સંખ્યા છેલ્લા પાંચ વર્ષની સૌથી વધુ હતી. 2020 તથા 2021માં ગુજરાતમાં શ્વાસની બિમારીના સરેરાશ 65 હજાર ઇમરજન્સી કોલ થયા હતા તે સંખ્યા 2022માં વધીને 74,780 થઇ હતી.
આ જ રીતે 2020 અને 2021માં હૃદયરોગને લગતા 43 હજાર ઇમરજન્સી કોલ હતા તે સંખ્યા 2022માં વધીને 56,277 નોંધાઇ હતી. 2018થી 2021ની સરેરાશ કરતાં 2022માં શ્વાસના દર્દીઓની સંખ્યામાં 14 ટકાનો અને હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં 10 ટકાનો વધારો હોવાનું બહાર આવ્યું છે.તબીબોના કહેવા પ્રમાણે વિવિધ અભ્યાસોમાં કોરોનાની હૃદય પર ઘણી ગંભીર અસર રહેતી હોવાનું જાહેર થયું જ છે.
જો કે લાઇફ સ્ટાઇલ અને સ્ટ્રેટસ પણ તેમાં મોટો ભાગ ભજવી રહ્યો છે. આ કારણોથી પણ વાર્ષિક ધોરણે હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં 6 થી 7 ટકાનો વધારો થતો હોવાનું અનુમાન છે.
108 ઇમરજન્સી સેવાના રિપોર્ટમાં વાહન અકસ્માતના કેસોમાં પણ મોટો વધારો હોવાનું અને છેલ્લા ચાર વર્ષના સૌથી વધુ કેસો નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન સરેરાશ 1.22 લાખ વાહન અકસ્માત નોંધાયા હતા જે 2022માં 1.46 લાખ થયા હતા તેનો સીધો અર્થ એવો થાય છે કે દર કલાકે 17 વાહન અકસ્માત થયા હતા.
આ જ રીતે ડાયાબીટીસના કેસોમાં 31 ટકાનો વધારો થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે 35 ટકા ઇમરજન્સી કોલ માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ચાર મહાનગરોમાં જ થયા હતા.
ઇમરજન્સી કોલ
બિમારી 2018-2021ના સરેરાશ કોલ 2022 વૃધ્ધિ (ટકા)
ડાયાબીટીસ 12,2,89 16,104 31 ટકા
વાહન અકસ્માત 1,22,328 1,46,712 20 ટકા
શ્વાસ 65,742 74,780 14 ટકા
હૃદય રોગ 51,170 56,277 10 ટકા