સમ્મેદ શિખરજી પર્વત ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય મહત્વવાળો પર્યટક સ્થળ ઘોષિત કરવાના વિરોધમાં જૈન સમાજ સતત પ્રદર્શન કરી રહ્યો હતો જેના પછીથી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે પર્યટન, ઇકો ટૂરિઝમ ગતિવિધિયોને તાત્કાલિક રોકવામાં આવે. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે પારસનાથ ક્ષેત્રમાં દારૂ, તેજ વોલ્યુમમાં ગીતો અને માંસનાં વેંચાણ પર રોક લગાવવામાં આવી છે. આ નિર્ણય બાદ જૈન સમાજે ખુશી દર્શાવી અને સરકારનો આભાર માન્યો છે. કેન્દ્ર સરકારે પોતાનો ત્રણ વર્ષ જૂનો આદેશ પાછો ખેંચ્યો છે અને પારસનાથ સ્થિત જૈન તીર્થ સ્થળ સમ્મેદ શિખર પર પર્યટન અને ઈકો ટૂરિઝમ એક્ટિવિટી પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં જૈન સમાજનાં લોકો આંદોલન કરી રહ્યાં હતાં. તેમની માંગ હતી કે ઝારખંડનાં ગિરિડીહ જિલ્લામાં પારસનાથનાં પહાડીમાં સ્થિત સમ્મેદ શિખરજીને પ્રવાસ સ્થળ ઘોષિત કરવાનાં નિર્ણયને પરત ખેંચવામાં આવે. કારણકે ત્યાં માંસ અને દારૂનું વેંચાણ થવા લાગ્યું હતું. જેને લઇને જૈન સમાજનાં તમામ પદાધિકારીઓએ પર્યટન મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી. જેના પછી તેમણે જૈન સમાજને ભરોસો અપાવ્યો કે તેમની ધાર્મિક ભાવનાઓનું ધ્યાન રાખવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પારસનાથ પર્વત ક્ષેત્રમાં ડ્રગ્સ અને તમામ નશીલા પદાર્થોનું વેંચાણ કરવું, લાઉડ સંગીત વગાડવું, લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો, પ્રકૃતિને નુક્સાન પહોંચાડવું, પાલતુ જાનવરોને લઇ આવવું, કેમ્પિંગ અને ટ્રેકિંગ કરવું વગેરે બાબતો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેના માટે કડક નિયમો પણ લાગુ પાડવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.