રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. આમ છતાં ઉત્તરાયણ નજીક આવતા રાજ્યમાં ચાઈનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ થાય છે. આ વર્ષે પણ ઉત્તરાયણ નજીક આવતા ચાઈનીઝ દોરીના વેચાણમાં વધારો થયો છે. ત્યારે હાઈકોર્ટના કડક વલણ બાદ ચાઈનીઝ દોરીને લઈને રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં પોલીસ દ્વારા દરોડા પાડવવામાં આવી રહ્યા છે. આ તરફ રાજ્યમાં પ્રથમવાર અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે.
હાઈકોર્ટના કડક વલણ બાદ ચાઈનીઝ દોરીને લઈને રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે. જેને લઈ અમદાવાદના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, પ્રથમ વખત ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ અજય વાઘેલા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતરમાં જ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક યુવક બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન ચાઈનીઝ દોરી યુવકના ગળામાં આવી હતી. જેથી ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબોએ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.