ભાવનગરમાં સફાઇ, ડ્રેનેજ સહિતની કામગીરીને અસરકારક બનાવવા કમિશનર એન.વી. ઉપાધ્યાયે એક નવો પ્રયોગ કર્યો છે જેમાં હવેથી કોઇપણ વિસ્તાર પસંદ કરીને તેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ડ્રેનેજ વિભાગ, પાણી પુરવઠા સહિતના દરેક વિભાગના અધિકારીઓએ સાથે મળીને પોત પોતાની કામગીરી કરવાની રહેશે. આથી જે-તે વિસ્તારની સમસ્યાનો એકસાથે હલ આવી શકે અને જુદા જુદા વિભાગો પોતાની જવાબદારીઓ ખંખેરી ન શકે !
કમિશનર દ્વારા ગઇકાલે શહેરના ઇન્દિરાનગર વસાહતમાં આ રીતે પ્રથમ કામગીરી કરાવાઇ હતી જેમાં નાળાની સાફ-સફાઇ સાથે ડ્રેનેજ વિભાગને લગતી સમસ્યાઓનો પણ માથા પર ઉભા રહીને નીકાલ કરાવાયો હતો. આજે મ્યુ. કમિશનરે વડવા-બ વોર્ડમાં ૩ કલાક સુધી ફરીને દરેક બાબતોનું નિરીક્ષણ કર્યું હતું જેમાં બેથી ત્રણ શૌચાલયોમાં સફાઇનો અભાવ નજરે ચડ્યો હતો તો પાણીનો અભાવ પણ દેખાયો હતો. આથી તાત્કાલીક યોગ્ય કરવા સુચના આપી હતી. કમિશનરે શૌચાલયમાં જાતે આટો મારીને બાબત તપાસી હતી તો રજકા ડ્રાઇવમાં આજે એક હજાર પુળા ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે.
કોર્પોરેશનનું સવારના સમયે ચેકીંગ હોવાથી રજકો વેચતા તત્વો દ્વારા બુકીંગ લઇ અને બપોર બાદ રજકો પશુઓને નીરવામાં આવે છે તે બાબત કમિશનરના ધ્યાને આવતા રજકા ડ્રાઇવ બપોરના સમયે ગોઠવવા સુચના આપી હતી.
અધિકારીઓએ રાત્રિ ચેકીંગ કરી રિપોર્ટ આપવા ફરમાન
મ્યુનિ.ના ૨૪ કલાક કાર્યરત વિભાગો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ફિલ્ટર પ્લાન્ટ, ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, આરોગ્ય વિભાગ યુસીએચસી, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફાયર વિભાગની સેવાઓનું સઘન મોનીટરીંગ કરવા માટે મ્યુનિ. કમિશનરે એક્શન પ્લાન ઘડી કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત અધિકારીઓને રાત્રે પણ દોડતા કરી દીધા છે. મ્યુનિ. કમિશનરે અલગ-અલગ વિભાગોમાં નાયબ કાર્યપાલક ઈજનેર અને અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા કુલ ૩૧ અધિકારીઓને મહિનાની ૧લીથી ૩૧ તારીખ સુધી એક-એક દિવસની રાત્રિ ચકાસણીની કામગીરી સોંપતો હુકમ કર્યો છે. આ તમામ અધિકારી-કર્મચારીએ સ્ટાફની હાજરી-ગેરહાજરી, યુસીએચસીમાં લાઈટ, પાણી સ્ટેન્ડની સ્વચ્છતા, ટોઈલેટ બ્લોકની સફાઈ, સ્ટાફનાયુનિફોર્મ, દર્દીની ફરિયાદ, રાત્રિ સફાઈના સ્વીપર મશીનમાં સ્ટાફની સંખ્યા, હાજર-૨જા પર રહેલા સ્ટાફ, લોગબુક, સ્વીપર મશીન નિર્ધારીત રૂટ પર ચાલે છે કે કેમ ? સફાઈની ગુણવત્તા વગેરે તેમજ ફિલ્ટર પ્લાન્ટ-પમ્પીંગ સ્ટેશન અને એસ.ટી.પી. પર તમામ મશીનરી કાર્યરત છે કે કેમ ?, સ્વચ્છતા, રાત્રિ કામગીરીનો સ્પષ્ટ અભિપ્રાય તેમજ ફાયર સ્ટાફની હાજરી-ગેરહાજરી, ટેલીફોન- વાહનો શરૂ છે કે કેમ ?, સ્વચ્છતા અને રાત્રિ વિઝિટમાં ફાયર સ્ટેશન પર ચાલતી કામગીરીનો અભિપ્રાય તૈયાર કરી તેનો અહેવાલ કમિશનરને સુપ્રત કરવા હુકમ કરાયો છે.
દરેક વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ પર નજર રાખવા નોડલ ઓફિસર નિમાયા
કમિશનર દ્વારા છેલ્લા પંદરેક દિવસથી શહેરના જુદા જુદા વોર્ડમાં રાઉન્ડ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે કામગીરીને વધુ અસરકારક બનાવવા આજે શહેરના તમામ ૧૩ વોર્ડમાં જુદા જુદા વિભાગના ખાતાના અધિકારીઓને નોડલ ઓફિસર નિમી મહાપાલિકાને લગત તમામ કામગીરીનું સંકલન કરવા હુકમ કરાયો છે. દરેક નોડલ ઓફિસરે દરરોજ સવારે પોતાના ફાળવેલ વોર્ડમાં નિયમિતપણે રાઉન્ડ લેવાનો રહેશે અને કામગીરીની સમિક્ષા કરી કમિશનરને રિપોર્ટ કરવા જણાવાયું છે.