ભાવનગર, તા.૯
વરતેજથી બુધેલ જવાના રસ્તે ગત રાત્રિના સુમારે સર્જાયેલા એક અકસ્માતમાં ભંડારિયાના આશાસ્પદ અને યુવાન ખેડૂતનું મોત થયું હતું. બનાવના પગલે ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે. ડુંગળી ખાલી કરીને ઘરે પરત જઇ રહેલા યુવાનનો રસ્તો કાળે આંતર્યો હતો.
આ બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ વરતેજ પોલીસ તાબાના ભડી-ભંડારિયા ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે જાેડાયેલા ખરક યુવાન ભરતભાઇ મકોડભાઇ સુરાણી (ઉ.વ.૩૫) રવિવારે રાત્રિના સુમારે માર્કેટીંગ યાર્ડમાંથી ટ્રેક્ટર ચલાવીને ભંડારિયા જવા નીકળ્યા હતા ત્યારે વરતેજ સિદસર બાયપાસ રોડ પર મામાના ઓટલા તેમજ એનસીસી કેમ્પ નજીક ટ્રેક્ટર પલ્ટી જતા થયેલા અકસ્માતમાં યુવાનને ગંભીર પ્રકારે મુંઢ માર વાગતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. યુવાનને સર ટી. હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યો હતો આથી પી.એમ. સહિતની વિધી હાથ ધરીને પોલીસમાં જાણ કરાઇ હતી.
રોંગ સાઇડમાં લક્ઝરી બસ ધસી આવી અને યુવાન અંજાઇ ગયો…
મૃતક યુવાનના પરિવારજનોએ વ્યથિત હૈયે જણાવ્યું હતું કે, મરણ જનાર ભરતભાઇ ટ્રેક્ટર ચલાવીને આવી રહ્યા હતા ત્યારે સામેથી ઓવરટેક કરીને સામેથી રોન્ગ સાઇડમાં આવી રહેલ લક્ઝરી બસની આંખો આંજી દેતી હેડ લાઇટથી ભરતભાઇ અંજાઇ ગયા હતા અને પોતાની જાતને બચાવવા ટ્રેક્ટરને રોડની સાઇડમાં ઉતારવા જતા ટ્રેક્ટર દિવાલ સાથે અથડાયું હતું જેમાં ભરતભાઇને ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી. આમ, રોન્ગ સાઇડમાં ધસી આવેલી લક્ઝરી બસ આ યુવાનનું મોતનું કારણ બની હતી.