રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ આગામી તા.૧૮ને બુધવારે મોરારીબાપુ દ્વારા એનાયત થશે. સને ૨૦૦૦ની સાલથી પ્રારંભાયેલા આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આ જ દિવસે પ્રતિવર્ષ અર્પણ થાય છે. આ દિવસે તલગાજરડાની કેન્દ્રવતી શાળા- ચિત્રકૂટ ધામ ખાતે કુલ મળીને ૩૩ પ્રાથમિક ભાઈ-બહેનોની પૂ.મોરારીબાપુ દ્વારા આ એવોર્ડ આપીને વંદના કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લામાંથી એક પ્રાથમિક શિક્ષકને આ એવોર્ડ અપાય છે. જેમાં પ્રતિવર્ષની જેમ આ સાલના ૩૩ શિક્ષકોને એવોર્ડ ફાળવવાની ઘોષણા કરવામાં આવી છે.
રાજ્યભરના બે લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદગી કરવાનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે. આ ચિત્રકૂટ પારિતોષિકથી પુરસ્કૃત શિક્ષકોને પૂ. મોરારીબાપુ દ્વારા પ્રત્યેકને ૨૫૦૦૦ રૂપિયાનો ચેક, કાળી કામળી, સૂત્રમાલા, રામનામી તેમજ સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવે છે. આ સાથે પૂ. સીતારામ બાપુ અધેવાડા દ્વારા પણ પુરસ્કૃત શિક્ષકોને શાલ, સુંદરકાંડ પુસ્તકથી સન્માનિત કરવામાં આવે છે.
આ વેળાએ અહીં મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન સાથે મહુવા તાલુકા માંથી સેવા નિવૃત્ત થનાર પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોને પણ સન્માન સાથે વિદાય નિવૃત્તિ આપવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ કાર્યક્રમની સફળતા માટે મહુવાના ગજુભા વાળા, ગણપતભાઈ પરમાર, મનુભાઈ શિયાળ, ભરતભાઈ પંડ્યા, રસિકભાઈ અમીન વગેરે સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે.