તાજેતરમાં અંધેરી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, મુંબઈ ખાતે તા.૧૯ થી ૨૨ ડીસેમ્બર દરમ્યાન યોજાયેલ ત્રીજી નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ભાવનગરની ટીમનો દબદબો રહયો. ભાવનગરમાંથી એક માત્ર સ્થળ એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી યોગ હોલ. આખા ઈન્ડીયાની સ્પર્ધામાં આ એક જ યોગ હોલનાં ખેલાડીઓએ અનેક રેકોર્ડ સર્જી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં ભાવનગરને ચાર ચાંદ લગાવ્યા છે.
યોગાસન સ્પોર્ટસ એસોસિએશન ઓફ ભાવનગરનાં જનરલ સેક્રેટરી રેતુભા ગોહિલ (માલવણ)નાં જણાવ્યા અનુસાર ૧૩ માંથી ૧૨ ખેલાડીઓ એક જ સ્થળેથી હોય અને એમાંય ૧૧ ખેલાડીઓએ એક સાથે ૧૩ મેડલ એક જ સ્થળને અપાવ્યા હોય તેવી પ્રથમ ઘટના છે. ગુજરાતની ટીમને કુલ–૨૫ મેડલ્સ મળ્યા છે. જેમાં અર્ધાથી વધુ એટલે કે ૧૩ મેડલ તો એક માત્ર ભાવનગર યોગ હોલને મળ્યા છે. યોગ હોલની બે દિકરીઓ ઋચા ત્રિવેદી અને યજુર્વિ જાેષી ૨–૨ ગોલ્ડ મેડલ મેળવી મોખરે રહી છે. યુનિવર્સિટી યોગ હોલની પાંચ દિકરીઓએ ગોલ્ડ મેડલ મેળવી રેકોર્ડ બનાવ્યો છે.
ગુજરાતને સબ જૂનિયર અને જૂનિયર ગર્લ્સ ગૃપ ઈવેન્ટમાં ચેમ્પિયન ટ્રોફીઓ મળી છે તેમાં પણ વધુ સંખ્યા આ હોલની રહી છે. અફસોસની બાબત એ રહી કે ભાઈઓનાં બેમાંથી એકેય ગૃપ ઈવેન્ટમાં પૂરી ટીમો ન થઈ નહિતર બીજા દસ ગોલ્ડ મેડલ મેળવવામાં પણ ભાવનગર મોખરે રહયું હોત તો વધુ બે રેકોર્ડ પણ બન્યા હોત. ભાવનગરના આ ખેલાડીઓ થકી ઓલ ઓવર ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમને ચેમ્પિયન ટ્રોફી મળેલ છે. આ તમામ ખેલાડીઓને યોગ કોચ રેતુભા ગોહિલ ઘ્વારા સધન તાલીમ આપવામાં આવી રહી છે. ભાવનગરની આ અદ્ભુત સફળતાને પદાધિકારીઓ સંતોષભાઈ કામદાર, મહેન્દ્રભાઈ ત્રિવેદી, ડો. આર.જે. જાડેજા અને ડાયાભાઈ કામદાર દ્વારા બિરદાવવામાં આવેલ છે.