આગામી કેન્દ્રીય બજેટની તૈયારીઓ શરૂ થઈ છે અને નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આગામી તા.1 ના રોજ રજુ થનારા કેન્દ્રીય બજેટમાં મીશન-2024 ને અમલમાં રાખીને કેન્દ્ર અને રાજયોનાં કરોડો કર્મચારીઓ ઉપરાંત પગારદાર વર્ગને મોટી રાહત આપે તેવી ધારણા છે. નાણામંત્રીએ અગાઉ જ આવકવેરામાં બે સીસ્ટમ દાખલ કરીને કરરાહત સાથે રૂા.2.50 લાખ સુધી કરમુકિત અને કરરાહત વગર રૂા.5 લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નહિં અથવા મામુલી ટેકસ તે યોજના દાખલ કરી છે.
કોવિડ કાળથી મોંઘવારી સહીતના મોરચે સતત માર ખાઈ રહેલા વિશાળ કર્મચારી વર્ગને ‘2024’ પૂર્વે ખુશ કરવા નિર્મલા સીતારામનની તૈયારી છે. કોવીડ કાળ પછી એક તરફ વ્યાપાર-કોર્પોરેટ ક્ષેત્ર નાના લઘુ ઉદ્યોગોને અનેક વખત રાહત આપવામાં આવી છે. પણ પગારદાર વર્ગ કે ફીકસ ઈન્કમ ધરાવતા વર્ગોને મોંઘવારી અને વ્યાજદર વધારાનો માર જ સહન કરવો પડયો છે. આ સ્થિતિમાં હવે 2024 અને તે પુર્વેની 9 રાજયોની ધારાસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પગારદાર વર્ગ માટે કોઈ મોટી રાહતની જોગવાઈની જાહેરાત થઈ શકે છે. જેમાં હોમ લોન ધારકને વ્યાજ તથા પ્રિન્સીપલ એકાઉન્ટમાં જે વધારાની રકમ ભરવી પડે છે તેની તેની આવકવેરા મુકિત મર્યાદા જે રૂા.2.50 લાખ છે તે વધારી રૂા.3.50 લાખ કે રૂા.4 લાખ થઈ શકે છે.
પગારદાર વર્ગ ખાસ કરીને સરકારી અને કંપનીઓનાં પગારદારનો મોટો વર્ગ આવકવેરા કરદાતા છે અને જે રીતે 2020 ના કોરોના કાળ બાદ પરિસ્થિતિ બની છે તેમાં આ વર્ગને રાહત તો નહિં પણ મોંઘવારી સહીતની હાડમારીનો ભોગ બનવુ પડી રહ્યું છે.સરકારે આ ઉપરાંત સરકારી કર્મચારીનાં 18 માસનાં ડી.એ. (મોંઘવારી ભથ્થા)ની રકમ પણ ચુકવી નથી અને તેથી આડકતરો માર પડયો છે. નાણામંત્રી હાલ અર્થતંત્રને સંભાળી રાખવા અને ચૂંટણી જીતવાના ડબલ એજન્ડા સાથે બજેટ તૈયાર કરશે તે નિશ્ચીત છે.કોઈ મોટો ખર્ચ નહિં પણ કલ્યાણ યોજનાઓમાં નાણા વધુ ફાળવશે.