બાળકોના આરોગ્ય પર જોખમ સર્જતા હલ્કી ગુણવતાના રમકડા સામે દેશવ્યાપી દરોડોમાં આવા 18600 રમકડા જપ્ત કરવામાં આવ્યા હતા. હેમલેઝ, આર્શીઝ, ડબલ્યુએચ સ્મીથ, કીડઝઝોન, તથા કોકોકાર્ડ જેવી જાણીતી કંપનીઓના રમકડા પણ હલ્કી ગુણવતાના તથા આઈએસઆઈ માર્કા વિનાના માલુમ પડયા હતા. એમેઝોન, ફલીપકાર્ટ, સ્નેપડીલ જેવી ઈ-કોમર્સ કંપનીઓ પણ આ પ્રકારના રમકડા વેચીને કાયદાનો ભંગ કરતા હોવાનું ખુલ્યુ હતું.
રમકડાની ગુણવતાનાં કાયદાનો અમલ કરાવતી બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાર્ડડ (બીઆઈએસ)ના વડા પ્રમોદકુમાર તિવારીએ કહ્યું હતું કે દેશભરમાં હલ્કી ગુણવતાના રમકડાનું મોટુ વેચાણ થતુ હોવાની સ્થાનિક ઉત્પાદકો પાસેથી ફરીયાદો મળી હતી. છેલ્લા એક મહિનામાં 44 દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. મોટા રીટેઈલ સ્ટોરમાંથી 18600 રમકડા કબ્જે કરાયા હતા. તેમાં ઘર આંગણે ઉત્પાદીત તથા આયાત થયેલા એમ બન્ને પ્રકારના રમકડાનો સમાવેશ થતો હતો.કેટલાંકમાં બીએસઈ માર્કા ન હતા. જયારે અન્યમાં બનાવટી માર્કા હતા. કેટલાંક વિદેશમાંથી ગેરકાયદે ઘુસાડવાનું પણ માલુમ પડયુ હતું.
એજન્સી દ્વારા એરપોર્ટ શોપીંગ મોલ સહીતનાં સ્થળોએ રમકડાના સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.બીજી તરફ આઈએસઆઈ માર્કા વિનાના રમકડા વેચવા બદલ એમેઝોન, ફલીપકાર્ટ તથા સ્નેપડીલને નોટીસ ફટકારવામાં આવી છે.