અમદાવાદમાં તાજેતરમાં ભવ્યાતિભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનુ સમાપન થયું અને હાલમાં અહી નગરના વાઈન્ડઅપની કામગીરી ચાલી રહી છે ત્યારે મહોત્સવના અંતે આયોજીત થયેલી સભામાં ઉપસ્થિત સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જે જગ્યાએ એક મહિના સુધી સતત નગર ધમધમતુ હતું. તેની યાદગીરી રૂપે સાયન્સ સીટી ખાતે આવેલ આવાસ યોજનાનું નામ પ્રમુખ સ્વામી મહારાજ આવાસ યોજના કરવામાં આવશે. આ અંગે સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુરી પણ મળી ચૂકી છે.
સાયન્સ સીટી ખાતે આવેલી આવાસ યોજનામાં અંદાજે 1000 ફલેટસ આવેલા છે અને હવે આ આવાસ પ્રમુખ સ્વામીનગર તરીકે ઓળખાશે. શતાબ્દી મહોત્સવમાં કામ કરતા સેવકોને આ આવાસ યોજનાના મકાનો રહેવા માટે આપવામાં આવ્યા હતા. આથી આ ભવ્ય મહોત્સવના આયોજનની સ્મૃતિરૂપે કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના નામકરણના નિર્ણય લેવામાં આવ્યો હતો. એક મહિના દરમ્યાન 1.21 કરોડ લોકોએ મહોત્સવની મુલાકાત લીધી હતી.