ભાવનગરમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરવા હાલ દરેક ટેમ્પલ બેલ કાર્યરત છે અને સારી કામગીરી પણ થઈ રહી છે પરંતુ કચરો જાહેરમાં ફેંકવા ટેવાયેલા કેટલાક તત્વો તંત્રની સફાઈની કામગીરી પર પાણી ફેરવી રહ્યા છે. શેરીના નાકે કે કોઈ બંધ મકાન પાસે કચરો ફેકવાની વૃતિ કેટલાક ચોક્કસ તત્વોની છે તેના કારણે લાખ મહેનત છતાં ભાવનગરમાં કચરો અને ગંદકી ફેલાઈ રહી છે ત્યારે આવા તત્વોને ઓળખી લેવા અને તેની સામે કાર્યવાહી કરવા ઇન્ચાર્જ મ્યુ. કમિશનર એવમ જિલ્લા કલેકટર ડીકે પારેખએ આજે એક નવો સુજાવ આપ્યો છે, તેમણે કચરાના પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવા અને આ કેમેરાને પોલીસ તંત્રના નેત્રમ પ્રોજેક્ટ સાથે જાેડવા મ્યુનિ.તંત્રને નવો વિચાર આપ્યો છે. હવે જાેવાનું રહે છે કે મહાપાલિકા તંત્ર દ્વારા આ દિશામાં પરિણામ લક્ષી કામગીરી થશે કે કેમ?
કમિશનર ઉપાધ્યાય પાંચ દિવસની રજા પર જતા આવતીકાલ શનિવાર સુધી તેમનો ચાર્જ કલેક્ટર પારેખને સુપ્રત કરાયો છે, આજે સવારે કલેકટર કોર્પોરેશનના સ્ટાફ સાથે શહેરના રાઉન્ડમાં નીકળ્યા હતા. સૌપ્રથમ તેમણે અખિલેશ સર્કલ પાસે આવેલ મહાપાલિકા સંચાલિત ઢોરના ડબ્બાની મુલાકાત લીધી હતી તેમજ શહેરમાં કેટલીક ચોક્કસ જગ્યા પર કચરાના ઉકરડા નજરે પડતા આ અંગે માહિતી મેળવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા દરેક વિસ્તારમાં દરરોજ સફાઈ થઈ રહી છે પરંતુ કેટલાક તત્વો છે જે ખુલ્લામાં કચરો ફેંકવા ટેવાયેલા છે અને તંત્રના અનેક પ્રયાસ છતા આ ન્યુસન્સ બંધ નથી થતું તે જાણકારી મળતા કલેક્ટર પારેખે મહાપાલિકાના ડે. કમિશનર બ્રહ્મભટ્ટને કચરાના આવા પોઇન્ટ પર સીસીટીવી કેમેરા મૂકીને ગંદકી ફેલાવતા તત્વોને ઓળખી લઇ તેની સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચન આપ્યું હતું. હવે કમિશનર ઉપાધ્યાય ફરજ પર હાજર થયા બાદ સંભવ છે કે આ દિશામાં ચોક્કસ કોઈ કાર્યવાહી થઈ શકે.
ઇન્ચાર્જ કમિશનર પારેખના રાઉન્ડ દરમિયાન શહેરના વાઘાવાડી રોડ પર આવેલ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા દક્ષિણા મૂર્તિ શાળાની આજુબાજુમાં લારી ગલ્લાના દબાણો ધ્યાને ચડતા તુરંત જ દબાણ હટાવ સેલને બોલાવીને ૧૦ થી ૧૨ લારીઓ, કેબિનો જપ્ત કરાવી હતી. જ્યારે ઓટલા ચણી લેવાયા છે તેને તોડી પાડવા સૂચના આપી હતી.