ફરી એક વખત સુપ્રીમ કોર્ટ પર શાબ્દીક હુમલો કરતા કેન્દ્રના કાનૂન મંત્રી કિરણ રિજ્જુ એ દાવો કર્યો હતો કે મોટાભાગના લોકો એક સમાન મંતવ્ય ધરાવે છે કે સુપ્રીમ કોર્ટે ન્યાયમૂર્તિની નિમણુંકમાં ખુદનો અવાજ જ સર્વોપરી ગણાવીને બંધારણને હાઈજેક કર્યો છે. રિજજુએ ટિવટર પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં દિલ્હી હાઈકોર્ટના પુર્વ ન્યાયમૂર્તિ આર.એસ.સોઢીએ જે મંતવ્ય વ્યક્ત કર્યા તેને વોઈસ ઓફ જજ તરીકે રિજજુએ ગણાવ્યા હતા અને પોતાના ટવીટમાં લખ્યું કે લોકશાહીની સુંદરતા એ છે કે લોકો ખુદ તેને ચૂંટેલા પ્રતિનિધિ મારફત કાનૂન બનાવે છે અને આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર છે અને બંધારણ સુપ્રીમ છે. જસ્ટીસ સોઢીએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બંધારણ સુધારવાનો અધિકાર ફકત સંસદને છે પરંતુ પ્રથમ વખત એવું માનું છું કે સુપ્રીમકોર્ટે બંધારણ હાઈજેક કર્યુ છે અને તેઓ ખુદ ન્યાયમૂર્તિની નિમણુંક કરશે અને સરકારની કોઈ ભૂમિકા નહી હોય.