સમગ્ર દેશમાં ગઈકાલે ધામધૂમથી 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી, ત્યારે દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ ધ્વજવંદન કર્યું હતું. જે બાદ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક રાજ્યની ઝાંખી જોવા મળી હતી. સાથે જ વાયુસેનાના 50 વિમાનોએ કરતબ દેખાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વખતના પ્રજાસત્તાક પર્વમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે આ વખતે VVIP લાઈનમાં શ્રમજીવીઓને સ્થાન આપવામાં આવ્યું હતું.
પરેડની અનેક ખાસ વાતો છે જેમાંથી એક ઉડીને આંખે વળગે તેવી છે. કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત, આર્થિક અને સામાજિક પ્રગતિને દર્શાવતી 23 ઝાંખીઓનું પ્રદર્શન જોવા મળ્યું હતું. જેમાં અનેક મંદિરોના ટેબ્લોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બાબા બર્ફાની, અયોધ્યાથી લઈને શ્રીકૃષ્ણ અને ભવાની માતા સાથે વિવિધતામાં એકતાનું પ્રતિક દર્શાવતી ઝાંખી દેશ અને વિશ્વ સમક્ષ મૂકી હતી.
પ્રજાસત્તાક દિવસ સમારોહમાં કર્તવ્ય પથ પર હરિયાણાની ઝાંખી સમગ્ર વિશ્વને શ્રીમદ ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશથી વાકેફ કર્યા. કર્તવ્ય પથ પર આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ થીમને લગતી ઝાંખી દ્વારા દર્શકોએ ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના પણ દર્શન કર્યા હતા. કર્તવ્ય પથ પર જેવી હરિયાણાની ઝાંખી પહોંચી કે દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે ઝાંખીનું સ્વાગત કર્યું.
કુરુક્ષેત્રને વિશ્વના સૌથી પ્રાચીન તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે. પવિત્ર નદી સરસ્વતીના કિનારે વેદો અને પુરાણોની રચના થઈ હતી. મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધના મેદાનમાં અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો શાશ્વત સંદેશ આપ્યો હતો, તેથી કુરુક્ષેત્રની ઓળખ ગીતાના જન્મ સ્થળ તરીકે થાય છે.