ભાવનગરમાં બુધવારે પિરછલ્લા સહિતની મુખ્ય બજારમાં ઓપરેશન દબાણ હટાવ બાદ એક દિવસની રજાના અંતે આજે મહાપાલિકાએ નવાપરા વિસ્તારમાં દબાણોનો સફાયો કર્યો હતો. આ વિસ્તારમાં દબાણકર્તા તત્વો સામે કાર્યવાહી કરવામાં મહાપાલિકા તંત્ર ઘણા સમયથી નૈતિક્તા ગુમાવી બેઠુ હતું પરંતુ કમિશનર ઉપાધ્યાયે હાથ ધરેલું અભિયાન આજે નવાપરા વિસ્તારમાં પહોંચતા મહાપાલિકાના કર્મચારી, અધિકારીઓમાં પણ ઉજમ દેખાતો હતો અને દબાણો પર તુટી પડી એક પછી એક એમ ૧૦ કેબીનો ઉચકીને કબ્જે લીધા હતાં. જ્યારે પાંચ શેડ પણ દુર કરી કબ્જે લેવામાં આવેલ. આ ઉપરાંત ચાર ફ્રીઝ પણ મહાપાલિકાએ કબ્જે કરતા દબાણકર્તા તત્વોમાં રિતસરનો ફફડાટ મચ્યો હતો. બીજી બાજુ ભાવનગરના નગરજનોએ મહાપાલિકાની હિંમત અને કાર્યપદ્ધતિને બિરદાવી હતી.
શહેરના ભીડભંજનથી નવાપરા ચોકને જાેડતા કબ્રસ્તાનવાળા માર્ગે બન્ને બાજુ વાહનોનો ખડકલો અને ગેરેજની કેબીનો ખડકાયેલી હતી. મ્યુ. તંત્ર આજે નવાપરા વિસ્તારમાં પહોંચતા જ વાહનો અને કેબીનો જાણે હવામાં ઓગળી ગઇ હતી અને રસ્તો સફાચટ નજરે પડતો હતો ! અહીં નવાપરા ચોકમાં ચારેબાજુ કેબીનો, લારીઓ અને શેડ ઉભા કરી રસ્તા પર કબ્જાે કરાયો હોય તેવી સ્થિતિ હતી. આથી આઠ કેબીનને ક્રેઇન વડે ઉચકીને ટ્રક અને ટ્રેક્ટરમાં ભરીને મહાપાલિકાએ કબ્જે કરી હતી તો વેપાર-ધંધા માટે રોડ પર મુકી રાખેલ જુદા જુદા આસામીના ચાર ફ્રીઝ પણ કબ્જે લેવાયા હતાં. જ્યારે પતરાના શેડ પાંચથી વધુ કબ્જે લીધા હતાં. નવાપરા ચોકથી કોર્પોરેશનના કાફલાએ સંતકંવરરામ ચોક સુધીમાં ગેરેજ અને કેબીનો માટે ઉભા કરાયેલ ગેરકાયદે ૧૦ જેટલા શેડ દુર કર્યાં હતાં, ચાની લારી માટે ચોકડી અને પાણીની ટાંકી રસ્તા પર બાંધી દેવાઇ હતી તે તોડી પડાઇ હતી. તો નવાપરા અને ડી.એસ.પી. કચેરીવાળા રસ્તાને જાેડતા ખાંચામાં રહિશોએ બજારમાં ઓટલા, ચોકડી વગેરે ચણી લઇ દબાણો કર્યાં હતાં જે ૧૦ થી ૧૨ જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું તો ગુરૂદ્વારા સામે જવાહર મેદાનના ટુકડામાં ગેરકાયદે બે કેબીનો હતી તેને પણ કબ્જે લેવાઇ હતી.
નવાપરામાં ઓપરેશન દબાણ હટાવ અટકાવવા નલીનીબા દોડી આવ્યા
સીપીએમના આગેવાન અને એડવોકેટ નલીનીબા જાડેજાએ આજે નવાપરામાં તંત્રની દબાણ હટાવ કામગીરી અટકાવવા માંગ કરી હતી. તેમણે દોડી આવી કમિશનરને નાના માણસોની રોજીરોટી છીનવાઇ રહી હોવાનો રોષ વ્યક્ત કરી આ કામગીરી સત્વરે બંધ કરવા આગ્રહભરી માંગ કરી હતી. જાે કે, કમિશનરે મચક આપી ન હતી. બીજી બાજુ એકાદ મહિનાથી શહેરમાં દબાણ હટાવની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આજદિન સુધી નાના માણસોની મુશ્કેલીનો ખ્યાલ કેમ ન આવ્યો તેવો પ્રશ્ન પણ ઉપસ્થિત લોકોમાં ચર્ચાઇ રહ્યો હતો.
શાકમાર્કેટમાં કેટલાકે ફરી છજા, લટકણીયા લગાવતા કમિશનરે કાર્યવાહી કરાવી
આજે નવાપરા ચોકમાં ઓપરેશન દબાણ હટાવ પૂર્ણ કરી કમિશનર તેમના પી.એ.ને લઇને શાકમાર્કેટમાં ખાનગી રીતે ચેકીંગ કરવા પહોંચી ગયા હતાં જ્યાં પથિકાશ્રમથી લોઢાવાળા હોસ્પિટલ સુધીમાં ૧૫ જેટલા દુકાનદારોએ પુનઃ છજા લગાવી દઇ તેમજ લટકણીયા કાઢી નિયમ વિરૂદ્ધ વેપાર-ધંધો કરતા હોવાનું ધ્યાનમાં આવતા એસ.આઇ.ને બોલાવીને તમામ સામે કાર્યવાહી કરાવી હતી તેમજ શેલારશા તરફ ઉતરતા ઢાળમાં બન્ને તરફથી દુકાનદારો સામે પણ કાર્યવાહી કરવા સુચના આપી હતી.
કેબીન ધારક સામે દંડનીય કાર્યવાહી થતા દાદાગીરી કરી ગાળો બોલવા લાગ્યો
કમિશનરે કેબીન ઉપડાવી લઇ પોલીસ એફઆઇઆર માટે આપી સુચના
શહેરના માધવદર્શન નજીક આવેલ ગુરૂદ્વારાની સામે જવાહર મેદાનના ટુકડામાં કેબીન રાખી ચા વેચતા એક આસામીએ ગંદકી ફેલાવી હોય આ વોર્ડના મહિલા એસ.આઇ.એ તેની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરતા કેબીન ધારક ઉશ્કેરાઇ ગયો હતો અને દાદાગીરી કરી ગાળો બોલવા લાગતા કમિશનર સુધી મામલો પહોંચ્યો હતો આથી કમિશનરે તાબડતોબ ફાયરના સ્ટાફને સ્થળ પર દોડાવ્યો હતો. સ્થિતિ પારખી જઇ કેબીન ધારક તાળુ મારીને ફરાર થઇ ગયો હતો આથી તંત્રએ કાર્યવાહીના ભાગરૂપે આ ગેરકાયદે કેબીનને ઉપડાવી લઇ કબ્જે કર્યું હતું. કમિશનરે આ કિસ્સામાં કેબીન ધારક સામે એફઆઇઆર નોંધાવવા સુચના આપી હતી તેમજ નવાપરાની કામગીરી પૂર્ણ કરી સ્થળ પર વિઝીટ પણ કરી હતી.
નવાપરા ચોકમાં સ્ટેવાળી કેબીનો ભાડે આપી દેવાતા તંત્રએ કબ્જે કરી
ભાવનગરમાં ગરીબોની રોજીરોટી છીનવાઇ નહીં તે માટે થઇને સેવો સંસ્થાના માધ્યમથી કેટલીક કેબીનોને રસ્તા પર નડતરરૂપ ન બને તે રીતે ઉભા રહીને વેપાર-ધંધો કરવા દેવા કોર્ટમાંથી સ્ટે મેળવાયેલો છે. પરંતુ સ્ટે મેળવી લઇ કેટલાક તત્વો આ કેબીનો બીજાને ભાડે આપી દઇ નિયમનો ભંગ કરી રહ્યા છે તે બાબત આજે નવાપરા ચોકમાં તંત્રની દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન ધ્યાને ચડી હતી. કેબીન પર સ્ટેના લખાણ અને સંચાલકના નામ વચ્ચે વિસંગતતા જણાતા તંત્રએ પુછપરછ કરતા ચાર જેટલા કેબીન માલિકોએ પેટામાં ભાડુતને ચલાવવા માટે આપી દીધાનું ખુલ્યું હતું આથી પંચરોજકામ કરીને આ કેબીનો જપ્ત કરી લેવાઇ હતી.