જિલ્લા કલેક્ટર તાબે આવતી કચેરીઓમાં દિવસોના કામ મહિનાઓ સુધી પણ પુરા થતા ન હોય, અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે કલેક્ટરને રજૂઆત કરી લોકોને પડતી અગવડતાનો નિકાલ લાવવા માંગણી કરવામાં આવી હતી.
રેવન્યુ એન્ડ કન્વેયન્સ પ્રેક્ટીસનર એડવોકેટ-ભાવનગર દ્વારા કલેક્ટરને કરવામાં આવેલી ૧૦ મુદ્દાની રજૂઆતમાં સિટી મામલતદાર કચેરી ભાવનગરમાં બીનખેતી મિલકતના રેવન્યુ રેકર્ડમાં ગામ નમૂના નં.૮/અ અને નં.૨માં નોંધ પડાવવા અગાઉના સમયમાં અરજદારો અરજી કરતા તેના થોડા જ દિવસોમાં નોંધનો નિકાલ થતો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી આ નોંધની કામગીરી તલાટી મંત્રી દ્વારા જે તે સર્કલ-નાયબ મામલતદારને મોકલવામાં આવે છે અને તે નોંધના કામે લેન્ડ રેવન્યુ કોડની કલમ ૧૩૫-ડી અન્વયે ખેતીની જમીન જેમ જ બીનખેતીની મિલકતમાં પણ કાર્યવાહી થતી હોય જેથી નોંધોના નિકાલમાં બેથી સાત મહિના જેટલો સમય લાગી જાય છે જેના કારણે અરજદારોને હાલાકી વેઠવી પડે છે તેમજ તલાટી ઉપર પણ કામનું ભારણ વધી જાય છે. આ કામગીરી કોઇ ગ્રામ પંચાયતમાં કરાતી નથી તેમજ રેવન્યુ રેકર્ડની નોંધ ઓનલાઇન જાેઇ શકાતી ન હોય ૧૩૫-ડીની કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવા અથવા કાર્યવાહીની નકલો જાહેર જનતા ઓનલાઇન મેળવી શકે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરાઇ છે. આ ઉપરાંત મિલકતની જંતી કિંમત નથી તેવી મિલકત અંગે પ્રિ-વેલ્યુએશન કરવા નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર, ભાવનગર ખાતે અરજી કરાયા બાદ તેનો નિકાલ કરવામાં ઘણો સમય વેડફવામાં આવી રહ્યો છે. એકવાર જે સર્વે નંબરનું પ્રિ-વેલ્યુએશન કરાયું હોય તે જ સર્વે નંબરની અન્ય મિલકતમાં પણ અગાઉનો આધાર માન્ય રાખી ફરીથી પ્રિ-વેલ્યુએશન કરવાની જરૂરિયાત ઉભી ન થાય તેમજ ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની અરજી, ખેડૂત ખાતેદારની જમીનમાં વારસાઇ નોંધ સહિત અલગ અલગ અગવડતા અને મુશ્કેલીઓ દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી.