ભારતે ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. પોચેફસ્ટ્રોમના સેનવેસ પાર્કમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 69 રનની જરૂર હતી, જે તેણે 36 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધી. ભારતીય ટીમની કેપ્ટન શેફાલી વર્મા ચેમ્પિયન બન્યા બાદ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. પ્રેઝન્ટેશન સેરેમનીમાં શેફાલી વર્મા થોડો સમય રડતી રહી. આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શેફાલી વર્માએ એક દિવસ પહેલા જ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો, તેથી વર્લ્ડ કપ જીતે તેનો જન્મદિવસ વધુ ખાસ બનાવ્યો હતો.
ભારતની જુનિયર કે સિનિયર મહિલા ટીમ આ પહેલા ક્યારેય વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. ભારતની સિનિયર ટીમને 2005 અને 2017 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.ભારતને 2020 મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રિચા ઘોષ અને શેફાલી વર્મા પણ તે T20 ટીમનો ભાગ હતા.
શેફાલી વર્માએ વર્લ્ડ કપ જીત પર કહ્યું, ‘બધી છોકરીઓ જે રીતે પ્રદર્શન કરી રહી છે અને એકબીજાને સપોર્ટ કરી રહી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. સપોર્ટ સ્ટાફનો આભાર, જે રીતે તેઓ દરરોજ અમને ટેકો આપી રહ્યા છે અને અમને કહી રહ્યા છે કે અમે અહીં કપ જીતવા આવ્યા છીએ. બધાનો આભાર. ખેલાડીઓ મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે.શેફાલીને આશા છે કે ભારતીય સિનિયર ટીમ T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહેશે. T20 વર્લ્ડ કપ આવતા મહિને જ દક્ષિણ આફ્રિકામાં રમાવાનો છે.