ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર તેમજ જિલ્લામાં આવેલી તમામ મટનની દુકાનોના શટરો પાડી દેવા તંત્રએ આદેશ કર્યો છે. હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલના પગલે સમગ્ર રાજય સાથે શહેર જિલ્લામાં ગેરકાયદે મટનનુ વેચાણ કરતી તમામ દુકાનો બંધ કરવા આદેશ થતાં શહેરમાં અમલવારી પૂર્વે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોમવારે સાંજના સમયે ૪૦ જેટલા મટનની દુકાનના વિક્રેતાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં કોર્ટના આદેશ અંગે વિક્રેતાઓને વાકેફ કરાયા હતા. અને કોર્ટના આદેશ પ્રમાણે કતલખાનાનું લાયન્સ હોય તો જ મટન વેચાણની છુટ હોવાનું સ્પષ્ટતા કરાઈ હતી.



મટન વેચતા વિક્રેતાઓએ પણ સામા સવાલો ઉઠાવ્યા હતા અને લાયસન્સ આપવાની માંગણી મુકી હતી, ધંધો કરવા લાયસન્સ લેવા તૈયાર હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો, પણ મ્યુ. કોર્પોરેશન લાયસન્સ આપી શકે તેમ નથી, કારણ કે, તે માટે કતલખાનું કાયદેસર હોવુ જોઈએ તે છે જ નહીં. દરમિયાનમાં મહાપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડો.સિંહાએ તેમની ટીમને સાથે રાખી આજે પોલીસ બંદોબસ્ત તળે અજય ટોકીઝ તેમજ સાંઢિયાવાડમાં 33 દુકાનો બંધ કરાવી હતી. જ્યારે અન્યત્ર આવેલી 7 દુકાનો બંધ કરાવવા તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવાયું હતું.