રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે રાજ્યના વધુ 4 સનદી અધિકારીઓને ખાસ જવાબદારી સોંપી છે. IAS સોનલ મિશ્રાને દિલ્હી મોકલવામાં આવ્યા છે. જ્યારે IAS મિલિન્દ તોરવણેની ગ્રામીણ વિકાસ વિભાગમાં બદલી કરાઈ છે. આ સાથે જ IAS મનોજ કુમારને પણ ગ્રામીણ વિકાસ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને ગ્રામીણ વિકાસના કમિશ્નર IAS સોનલ મિશ્રાની બદલી કરવામાં આવી છે. IAS સોનલ મિશ્રાની દિલ્હી ખાતે અગામી 5 વર્ષ સુધી ભારત સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી કરવામાં અવી છે.
આ ઉપરાંત ચીફ કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સ IAS મિલિન્દ તોરવણેની બદલી રાજ્ય સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના કમિશ્નર તરીકે કરવામાં આવી છે. આ સાથે જ રાજ્ય સરકારના પોર્ટસ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ IAS મનોજકુમાર દાસને રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગ અધિક મુખ્ય સચિવ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સાથે જ હાલના સ્પેશીયલ કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સ IRS સમીર વકીલને ચીફ કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.






