ભાવનગરમાં સુભાષનગર ખાતે આવેલ પીએમ આવાસ યોજનામાં અનેક લાભાર્થીઓ મકાન ભાડે ચડાવીનું સાધન બનાવતા મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજે સતત બીજા દિવસે ભાડુંઆતોને તગેડી મૂકી આવાસો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, ગઈકાલે 271 પૈકી 86 આવાસો ભાડુઆત મુક્ત થયા હતા બાકી રહેલા 200 જેટલા આવાસોને ખાલી કરાવવા આજે સવારથી ફરી વખત કાર્યવાહી હાથ ધરાઈ છે.
ભાવનગરમાં ફુલસર, રૂવા, સુભાષનગર અને તરસમીયામાં પીએમ આવાસ યોજનાની કુલ 09 સાઇટ આવેલ છે જેમાં 2464 મકાનોનું નિર્માણ કરી લાભાર્થીને સોંપણી થઈ છે તો સીએમ આવાસ યોજનાની શહેરના ચિત્રા, ફુલસર અને રૂવામાં 2-2 સાઈટ આવેલી છે અને કુલ 1506 યુનિટનું બાંધકામ કરી લાભાર્થીને સુપ્રત કરાયા છે.
મકાન વિહોણા ગરીબ અને મધ્યવર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે એ માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મુખ્યમંત્રી આવાસ યોજના તળે મકાનોનું બાંધકામ કરી વ્યાજબી કિંમતે લાભાર્થીને અપાયા છે, પરંતુ કેટલાક લાભાર્થીઓ સરકારી આવાસ યોજનાને આવકનું સાધન બનાવી મકાન ભાડે આપી દેતા ખરી જરૂરિયાતવાળા અરજદારો સરકારી મકાનથી વંચિત રહેવા પામેલ છે, આ મામલે વ્યાપક ફરિયાદ બાદ મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની નિદ્રા ઉડી છે અને છેલ્લા બે દિવસથી આવા ભાડે આપેલા મકાનોને ખાલી કરાવી સીલ મારવામાં આવી રહ્યા છે. જોકે, હાલમાં સુભાષનગર સ્થિત પીએમ આવાસ યોજનાના 1088 મકાનોનો માત્ર સર્વે થયો છે જેમાં 271 મકાન ભાડે આપી દેવાયા હોવાનું તંત્રના સર્વેમાં ખુલ્યું છે જ્યારે સમગ્ર ભાવનગર શહેરમાં આવાસ યોજનાના 3900થી વધુ મકાનો આવેલા છે જે તમામનો સર્વે થાય તો આવા અનેક કિસ્સા સામે આવે તેમ છે. મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર કે. એસ.ઝાપડીયાએ એ એક વાતચીતમાં સ્વીકાર્યું હતું કે આવાસ યોજનાની અન્ય સાઈટોમાં પણ મકાન ભાડે આપી દેવાયાની ફરિયાદો મળી છે, તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં તમામ આવાસ યોજનામાં સર્વે કરવામાં આવશે અને ભાડુંઆતોને મકાન ખાલી કરાવી યુનિટને સીલીંગ કરવામાં આવશે. આમ, ભાવનગરમાં સુભાષનગર સ્થિત પીએમ આવાસ યોજના ઉપરાંત અન્ય સાઇટો પણ તંત્રના રડારમાં છે.!