ભાવનગરના જુના બંદર રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પાર્સલની આડમાં ચંદીગઢથી મંગાવવામાં આવેલ ઇંગ્લિશ દારૂની ૪૩૨ બોટલ ગંગાજળિયા પોલીસે કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના જુના બંદર રોડ, વૈશાલી ટોકીઝ નજીક આવેલ દિલ્હી પંજાબ કેરિયર પ્રાઇવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટ કંપનીમાં પાર્સલની આડમાં પંજાબના ચંદીગઢથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આવ્યો હોવાની મળેલી બાતમીના આધારે ગંગાજળિયા પોલીસે જુના બંદર રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસના ગોડાઉનમાં તપાસ કરતા ચંદીગઢથી ૧૮ પાર્સલો આવ્યા હોવાનું ત્યાં હાજર રામેશ્વર ચૌધરી નામના વ્યક્તિએ જણાવ્યું હતું.
પોલીસે પંચ રૂબરૂ પાર્સલો ખોલીને તપાસ કરતા પાર્સલમાં રાખેલ પ્લાસ્ટિકના બેરલોની અંદર લાકડાના ભૂસાની નીચેના ભાગે રાખેલ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ગંગાજળિયા પોલીસે પ્લાસ્ટિકના ૧૮ બેરલમાં લાકડાના ભૂસાની આડમાં છુપાવી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૩૨ બોટલ, કિં.રૂ. ૧,૦૨,૭૨૦ તેમજ બેરલ મળી કુલ રૂ. ૧,૦૪,૫૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે હાજર વ્યક્તિને પાર્સલ અંગે પૂછતા કોઈ અજાણ્યો હિન્દીભાષી ઈસમ મોબાઇલ ફોન કરીને પાર્સલ છોડાવવા માટે ટેમ્પો મોકલનાર હોવાનું તેમજ આ પાર્સલો ચિત્રા જી.આઈ.ડી.સી.માં મોકલવાના હોવાનું જણાવતો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
ગંગાજળિયા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.