ઘોઘા તાલુકાના હાથબ ગામમાં રહેતી યુવતીએ ભરતી અંગેની પરીક્ષા રદ થતા ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવતીને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર ઘોઘાના હાથબ ગામમાં રહેતા પાયલબેન કરસનભાઈ બારૈયા ( ઉં.વ.૨૧ ) એ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી.ગત રવિવારે પરીક્ષાનું પેપર લીક થઈ જતા જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી.
જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે પાયલબેને દિવસરાત મહેનત કરી હોય,પરીક્ષાના દિવસે જ પરીક્ષા રદ્દ કરવામાં આવતા પાયલબેન માનસિક રીતે હતાશ થયા હતા અને લાગી આવતા તેણે પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.ઝેરી દવા પી લેતા પાયલલબેનને ગંભીર હાલતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા વર્ષોથી લેવામાં આવતી ભરતી અંગેની પરીક્ષાના પેપરો ફૂટી જવાની ઘટના બનતી હોય ઉમેદવારોમાં સરકાર પ્રત્યે રોષ હતો.પંચાયતની જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષામાં સબ સલામત હોવાના દવા વચ્ચે આખરે છેલ્લી ઘડીએ પેપર લીક કૌભાંડ ઉજાગર થતા પરીક્ષા રદ્દ કરવી પડી હતી,જેના કારણે રાજ્યના નવ લાખથી વધુ ઉમેદવારોમાં હતાશા જાેવા મળી હતી.