દેશમાં લોકસભાની ચૂંટણી હવે નજીક છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે દક્ષિણ ભારત પર પોતાનું ફોકસ વધાર્યું છે. કોંગ્રેસે પણ યાત્રાની શરૂઆત દક્ષિણ ભારતથી કરી હતી. મોદી અને શાહ લોકસભાની ચૂંટણી સાથે હાલમાં 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પર ફોકસ કરી રહ્યાં છે. હાલમાં પ્રથમ તબક્કાની યાત્રા કોંગ્રેસે પૂરી કરી છે. હવે આ યાત્રાની સફળતા બાદ કોંગ્રેસે બીજા તબક્કાની યાત્રાની શરૂઆત કરી છે. આ બીજા તબક્કાની યાત્રા પદયાત્રા સ્વરૂપ નહીં હોય.
રાહુલ ગાંધી બીજા તબક્કામાં પોરબંદર ખાતેથી યાત્રાનો પ્રારંભ કરે તેવી શક્યતા છે. હવે પૂર્વોત્તર રાજ્યોને કોંગ્રેસ લક્ષ્માં રહેશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હવે બીજા તબક્કામાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરથી આસામ સુધીની યાત્રા કરે તેવી શક્યતા છે. જોકે આ યાત્રા પદયાત્રા સ્વરૂપે નહિ હોય, તેમ ગુજરાત કોંગ્રેસના સૂત્રો કહે છે, અલબત્ત, હજુ સુધી આ યાત્રા અંગે હાઈકમાન્ડે લીલી ઝંડી આપી નથી. આગામી સમયમાં આ અંગેનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. હવે આગામી દિવસો જ બતાવશે કે રાહુલ શું નિર્ણય લેશે પણ હાલમાં કોંગ્રેસમાં આ ચર્ચા જામી છે.