પાલીતાણા તાલુકાના વડિયા ગામમાં આવેલ રહેણાંકી મકાનમાં ચાલતા જુગારના અખાડા ઉપર પાલીતાણા ટાઉન પોલીસે દરોડો પાડી ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમતા ચાર શખ્સને રૂપિયા ૫૬,૩૦૦ રોકડા સાથે ઝડપી લીધા હતા, જ્યારે મકાન માલિક અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાલીતાણા તાલુકાના વડિયા ગામમાં રહેતો અશોક જીવરાજભાઈ સવાણી પોતાના કબજા અને ભોગવટાના રહેણાંકી મકાનમાં જુગારનો અખાડો ચલાવી પોતાના લાભ સારૂ નાળ ઉઘરાવતો હોવાની મળેલી બાતમીના આધારે પાલીતાણા ટાઉન પોલીસે વડિયા ગામમાં આવેલ બાતમીવાળા મકાનમાં દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા મુકેશ ઉર્ફે મૂકો માધુભાઈ ચોસલા રહે. વડીયા, મહિપાલસિંહ વનરાજસિંહ ગોહિલ રહે. પાલીતાણા, યુવરાજસિંહ અરવિંદસિંહ સરવૈયા રહે. પાલીતાણા અને અમીન હુસેનભાઇ મેમણ રહે. વડીયાવાળાને રોકડા રૂ.૫૬,૩૦૦ સાથે ઝડપી લીધા હતા. પોલીસને જાઈને મકાન માલિક અશોક જીવરાજભાઈ સવાણી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પાલીતાણા ટાઉન પોલીસે તમામ ઈસમો વિરુદ્ધ જુગારધારાની કલમ ૪ અને પ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.