ભાવનગરના નિલમબાગ સર્કલ પાસે આવેલ એસ.બી.આઈ. માં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની સાફ-સફાઈ કરતી વખતે વીજ શોક લાગવાથી કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા ફાયરમેનનું મોત નીપજવાની ઘટનામાં આખરે આઠ મહિના બાદ અમદાવાદની કંપનીના જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના નીલમબાગ સર્કલ પાસે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફાયરમેન તરીકે કામ કરતા મયુરભાઈ દિનેશભાઈ માંડલિયા ( ઉં.વ. ૨૪ ) રહે. ૫૦ વારીયા, સરદારનગરવાળા ગત તા. ૪/૭/ ૨૦૨૨ ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કેમ્પસમાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની સાફ સફાઈ કરતી વખતે ટાંકામાંથી પાણી ખાલી કરવા માટે ટાંકામાં અંદર ઉતરતા હતા તે દરમિયાન વીજ શોક લાગતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું.
આ બનાવ અંગે તપાસ કરવામાં આવ્યા બાદ નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક સૌરાષ્ટ્ર ઝોન તથા વિદ્યુત નિરીક્ષક ભાવનગરના તપાસ અહેવાલ મુજબ ટાંકા પાસે દિવાલ પર લગાડેલ એલટી ડીસ્ટ્રીબ્યુશન બોક્સ તરફ જતી સર્કિટમાં કાર્યક્ષમ પી.એલ.સી.બી. લગાડેલ ન હોય તેમજ એલ.ટી. ડિસ્ટ્રીબ્યુશન બોક્સને યોગ્ય અર્થીંગ કરેલું ન હોય આ અકસ્માત થયો હોવાના રિપોર્ટના આધારે બેન્કના એ.એસ.આઇ. જીગ્નેશકુમાર ભુપતભાઈ ત્રિવેદીએ આ કામ માટે જવાબદાર મલ્ટી કેર એન્જિનિયર્સ કંપની અમદાવાદના જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. નીલમબાગ પોલીસે આઈપીસી કલમ ૩૦૪ એ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.