વધતી જતી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક મોટો ફટકો પડ્યો છે. રાજ્યમાં સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે.
રાજ્યમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. 50 રૂપિયાના ભાવવધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 2820 રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે અન્ય તેલોના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એકબાજુ લગ્નની સિઝન ચાલી રહી છે એવામાં સિંગતેલમાં ભાવવધારો જનતા માટે માથાના દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે. સિંગતેલમાં વધારો થતાં મોંઘવારીમાં પિસાતી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. રાજ્યમાં 43 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. આ કારણે લોકોના ખિસ્સા પર તેની ભારે અસર આવી રહી છે. આમ છતાં આ ભાવને કાબૂમાં કરવા માટે પુરવઠા તંત્ર પાસે કોઇ જ રસ્તો નથી અને માત્ર પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ પર નજર રાખી હોવાનું ગાણુ અધિકારીઓ ગાઈ રહ્યા છે. કોઇ નક્કર પગલા લેવામા ન આવતા સંગ્રહખોરો ખેડૂત હોય કે ઓઇલમીલરો કોઇનું ચેકિંગ થતું નથી કે કોઇ ચોક્કસ ભાવબાંઘણું થતું નથી જેનો માર પ્રજાએ સહન કરવા પડે છે.