ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં ડિગ્રી વગર દવાખાનું ખોલી તબીબી પ્રેક્ટિસ કરતા ભાવનગરના ઈસમ વિરુદ્ધ ઘોઘા તાલુકા હેલ્થ ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી ઘોઘા તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાન મુસ્તાકભાઈ લાખાણી તથા તેમની ટીમે તાલુકાના વાળુકડ ગામમાં આવેલ ઓમ સાઈ ક્લિનિકમાં તાપસ કરી ડીગ્રી વગર એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ વડે દર્દીઓની સારવાર કરતા યશ પ્રકાશભાઈ ભટ્ટી રહે. શાસ્ત્રીનગર, ભાવનગર ને ઝડપી લીધો હતો.
આરોગ્ય ખાતાની ટીમે દવાખાનામાંથી આયુર્વેદિક, હોમિયોપેથી અને એલોપેથી દવાઓ, ઇન્જેક્શન તેમજ બાટલાઓ મળી રૂ. ૪૬,૨૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.