શહેરના રાજકોટ રોડ પર એક મિલ્કતને કોર્પોરેશન દ્વારા પાંચ-સાત વર્ષ પૂર્વે વેરો વસૂલવા સીલ કરાઇ હતી જેના સીલ ખોલીને આ મિલ્કત ભાડે આપી દેવાતા ત્યાં કોટક મહિન્દ્રા બેંકની બ્રાંચ ખોલાઇ હતી. આ મામલો તંત્રના ધ્યાને આવતા આજે તાકીદના ધોરણે મિલ્કતને સીલ કરી અને કમિશનરની સુચનાના પગલે પોલીસ એફઆઇઆર માટે કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું આસિસ્ટન્ટ કમિશનર એફ.એમ. શાહએ જણાવ્યું હતું.
આ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ચિત્રા વિસ્તારમાં સદ્દગુરૂ ધાબા સામે એક મિલ્કતને કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬માં જપ્ત કરાઇ હતી પરંતુ મિલ્કત માલિકે તેના સીલ ગેરકાયદે રીતે ખોલી નાખી અને આ પ્રોપર્ટી કોટક મહિન્દ્રા બેંકને ભાડે આપી દઇ મહાપાલિકાને અંધારામાં રાખી હતી. હાલમાં મહાપાલિકા દ્વારા રિકવરી ઝુંબેશ હાથ ધરાતા આ મિલ્કતના બાકી વેરાની ઉઘરાણી માટે કાર્યવાહી કરતા તંત્ર ચોકી ઉઠ્યુ હતું કારણ કે આ મિલ્કતમાં કોટક મહિન્દ્રા બેંકની બ્રાંચ ખુલી ગઇ હતી આથી ઘરવેરા વિભાગ દ્વારા તાબડતોબ આ મિલ્કતને સીલ કરવામાં આવી હતી તેમજ પોલીસ એફઆઇઆર માટે કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું છે. કોર્પોરેશનની કાર્યવાહીના પગલે બેંક અધિકારીઓ અને ગ્રાહકોમાં સન્નાટો જાવા મળ્યો હતો ! વધુમાં ઉપલબ્ધ વિગતો મુજબ આ મિલ્કત પટેલ સરલાબેન છગનભાઇ અને રાઠોડ નિરંજનભાઇ નરોત્તમભાઇના સંયુક્ત નામે કોર્પોરેશનના ચોપડે બોલતી હોવાનું જાણવા મળ્યું છે.