ભાવનગર રેલવે ડીવિઝનના ધોળા જંક્શન પાસે માલગાડી પાટા પરથી ખડી પડવાની ઘટનામાં આજે મંગળવારે ત્રીજા દિવસે પણ રેલ વ્યવહાર પ્રભાવિત રહ્યો હતો. જોકે, અકસ્માત બાદ નુકશાની દૂર કરવાની આજે મોટા ભાગની કામગીરી તંત્રએ પૂર્ણ કરી દીધી છે. આથી સંભવ છે કે સાંજ સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત કરવામાં આવે.
રવિવારે સાંજે માલગાડી પાટા પરથી ઉતરી ગયા બાદ એ સમયની દરેક લોકલ અને એક્સ્પ્રેસ ટ્રેન ત્રણ કલાક મોડી પ્રસ્થાન થઈ હતી પરંતુ રીપેરીંગ કામ હાથ ધરી વેગન દૂર કરવા સહિતની કાર્યવાહીના કારણે રેલ વ્યવહાર બીજા દિવસે સોમવારે અને આજે મંગળવારે પણ પ્રભાવિત રહેલ. આ કારણે હજારો યાત્રીઓ એ મુશ્કેલી અને હાડમારી વેઠી છે. દરમિયાનમાં આજે સવારે ઓપરેશન પૂર્ણ થતાં હવે પાટા રીપેરીંગ હાથ ધરાયું છે જે બપોર સુધીમાં પૂર્ણ થયે સાંજથી રેલ વ્યવહાર પૂર્વવત કરી દેવાશે તેમ તંત્ર વાહકોને જણાવેલ.
ભાવનગર રેલવેના ડીસીએમ માસુક અહેમદે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, સવારે 7.40 કલાકે અકસ્માત ગ્રસ્ત વેગન સ્થળ પરથી હટાવવાની કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે પટરી મરામતનું કાર્ય આગળ ધપાવાયુ છે. તેમણે સાંજ સુધીમાં રેલ વ્યવહાર પૂર્વવત થઇ જવા આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ઘટનાનું કારણ જાણવા સ્થાનિક સ્તરેથી તપાસ કમિટી દ્વારા તપાસ હાથ ધરાનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.