એક્સેલ એક્સપ્રેશનમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં શહેરભરની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનાં ૧૦૪૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ પારિતોષિકો જીતી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
સતત બીજા વર્ષે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાએ નામાંકિત શાળાનાં વિદ્યાર્થીઓને પરાસ્ત કરી આ સિદ્ધિ મેળવી છે. શાળાનાં સંગીત શિક્ષક ઋષિકેશભાઇ પંડ્યા અને રમેશભાઈ સાટીયાનાં માર્ગદર્શન નીચે માધ્યમિક વિભાગમાં સુગમ સંગીતમાં દ્વિતીય નવીન ઠાકોર, લોકગીતમાં પ્રથમ રાજેશ ઠાકોર, દ્વિતીય રવિ ગમારા તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સુગમ સંગીતમાં પ્રથમ જ્યોતીષા પરમાર, લોકગીતમાં પ્રથમ ચિરાગ રાઠોડ અને દ્વિતીય રમીલા ડોળાશિયા અને સમૂહગીત સ્પર્ધામાં સંસ્થાની કૃતિ પ્રથમ આવતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ચેમ્પીયન ટ્રોફી મેળવી છે.
જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયોની સઘન તાલીમ આપી તેઓ સામાન્ય વ્યક્તિની બરોબરી કરી શકે તે માટે તેમનો આત્મવિશ્વાસ જગાડવા મોટીવેટ કરવા કાર્યક્રમો થતા રહે છે.