ભાવનગર શહેરમાં રખડતા ઢોરની વર્ષો જુની સમસ્યાને નાથવા કમિશનર ઉપાધ્યાયની આગેવાનીમાં જાેરશોરથી ઢોર પકડો અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કોર્પોરેશને પકડેલા ઢોરની હંગામી ધોરણે સંભાળ માટે ખાદી ગ્રામોદ્યોગ સંઘને કામ સોંપવા નિર્ણય થયો છે. આગામી સ્ટે. કમિટીની બેઠકમાં આ અંગે મંજૂરીની મહોર લાગશે.
રસ્તે રખડતા ઢોરને ડબ્બે પુર્યાં બાદ તેનો નિભાવ અને દેખરેખ માટે હાલ કોર્પોરેશન દ્વારા કામગીરી થઇ રહી છે. પશુની યોગ્ય રીતે દેખભાળ નહીં થતી હોવાની કેટલીક ફરિયાદો પણ ઉઠી છે. સંજાેગો વસાત પશુઓ મોતને પણ ભેટતા તંત્રએ વિવાદ વહોરવાનું થયું છે આથી મહાપાલિકા દ્વારા એજન્સીને પશુ દેખભાળની કામગીરી સોંપવા નિર્ણય થયો છે. શ્રી પરિષદ ખાદી ગ્રામોદ્યોગ સંઘ-રાણીપ અમદાવાદને આ કામગીરી સોંપી તેની પાસેથી પશુઓની દેખરેખ, સારવાર, સાફ-સફાઇ, ઘાસચારો ખવડાવવો વિગેરે કામગીરી લેવાશે તેની સામે પ્રતિ પશુ લેખે દરરોજના રૂા.૯૦ ચુકવવા નક્કી થયું છે. આથી કોર્પોરેશને હવેથી માત્ર પશુનું રજીસ્ટર નિભાવવાનું રહેશે બાકીની દરેક કામગીરી એજન્સીના શીરે રહેશે. આગામી સ્ટેન્ડીંગમાં આ ઠરાવ મંજૂર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાએ પકડેલા પશુના નિકાલ પાંજરાપોળમાં થઇ રહ્યો છે. અમદાવાદની એક પાંજરાપોળે ૫૦૦ પશુ સ્વિકારવા સહમતી આપતા તે પૈકી ૩૦૦ પશુ મોકલી અપાયા છે જ્યારે વધુ ૨૦૦ પશુ આગામી દિવસોમાં મોકલી અપાશે. આ ઉપરાંત સમઢીયાળા પાંજરાપોળ સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે. દરમિયાનમાં કોર્પોરેશનના ડબ્બે રહેલા પશુઓની દેખભાળ માટે હંગામી ધોરણે આ એજન્સી કામ કરશે.