ભાવનગરમાં અકવાડા તળાવ ફેઈઝ ૨ નું કામ રાખનાર એજન્સી આધાર પૂરાવા રજૂ નહિ કરતા હવે ટેન્ડર ભરનાર સેકન્ડ પાર્ટીને રૂ.૧૮ કરોડનું વિકાસ કામ કરવા તક સાંપડી છે, આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે મંજૂરીની મ્હોર લાગશે. તત્કાલીન સમયે વડાપ્રધાન મોદીના હસ્તે ઉતાવળે ખાતમુહૂર્ત કરાવવા એલ-૧ એજન્સીને માન્ય રાખી ડોક્યુમેન્ટ ચકાસ્યા ન હતા પરંતુ બે જૂથ વચ્ચે હરીફાઈમાં વિવાદ સપાટી પર આવ્યો હતો અને માન્ય એજન્સી ભવાની કંટ્કશને તંત્રને અંધારામાં રાખ્યું હોવાની રજૂઆત બાદ તપાસ કરતા આક્ષેપમાં તથ્ય જણાતા આખરે એજન્સીને બ્લેક લીસ્ટ કરતા હવે કામ હરીફ એજન્સીના હાથમાં જઈ પડ્યું છે!
અકવાડા ફેઇઝ ૨ નું કામ કુલ રૂ.૧૭.૯૪ કરોડનું છે, આ કામ મેળવવા શાસક પક્ષ સાથે ઘરોબો ધરાવનાર સુરતની એજન્સીએ ટેન્ડર ભર્યું હતું પરંતુ અન્ય એજન્સી એ ઓછા ભાવ ભરતા ટેન્ડર તેને લાગ્યું હતું. જાેકે, એજન્સી શરતો મુજબ અનુભવ નહિ ધરાવતી હોવા ઉપરાંત અગાઉ આ પ્રકારનું કામ કર્યું હોવાનું જણાવી તંત્રને અંધારામાં રાખતા વિવાદ ઉઠ્યો હતો, આખરે તેના હાથમાંથી કામ સરીને એલ ૨ એજન્સીના હાથમાં કામ જઈ પડ્યું છે. ભાજપ અને મહાપાલિકા વર્તુળોમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.