છત્તીસગઢના ભાટાપરાના ખમરિયા ગામમાંથી એક માર્ગ અકસ્માતના મોટા સમાચાર છે. અહીં એક ટ્રેક અને પીકઅપ માલ ગાડી વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં લગભગ 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. માર્ગ અકસ્માતની આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની છે.
પોલીસના જણાવ્યા અનુસાર, માર્ગ અકસ્માતની આ દર્દનાક ઘટના ભાટાપરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 11 મૃતકોની પુષ્ટિ થઈ છે. બચાવ કામગીરી હજુ ચાલું છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. એસડીઓપી ભાટાપરા સિદ્ધાર્થ બઘેલે જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ફૂલ સ્પીડમાં આવી રહેલી ટ્રક ધડાકાભેર પીકઅપ વાન સાથે અથડાઈ હતી, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે જ 11 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. મૃતકોમાં 2 બાળકો પણ સામેલ છે. જ્યારે 10 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જેમાંથી 2 લોકોની હાલ ગંભીર હોવાનું કહેવામાં આવ્યું છે. તેઓને વધુ સારવાર માટે રાયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે સાહુ પરિવારના સભ્યો ખિલોરામાં એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા.