અમેરિકામાં ભારતીય મૂળના બિઝનેસ લીડર એવા અજય બાંગાની વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ તરીકે નિયુક્તી કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ગુરુવારે તેમના નામ પર મંજૂરીની મહોર મારી દિધી છે. આ વાતની જાણકારી વ્હાઈટ હાઉસે આપી હતી.
અજય બાંગાની ઉંમર ૬૩ વર્ષ છે. તેઓ મૂળ ભારતીય છે અને હાલમાં અમેરિકામાં રહે છે. હાલમાં ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકમાં વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. સાથે-સાથે નેધરલેન્ડ્સ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની એક્સોરના ચેરમેન પણ છે. બાંગા યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઇબીસી)ના ભૂતપૂર્વ પ્રમુખ છે. જે ભારતમાં રોકાણ કરતી સૌથી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓમાંની 300થી વધુ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
અજય બાંગાનો જન્મ 10 નવેમ્બર વર્ષ 1959ના રોજ પુણેના ખડકી કેન્ટોનમેન્ટમાં એક શીખ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ પંજાબના જલંધરનો રહેવાસી છે. તેમના પિતા હરભજન સિંહ બાંગા રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ છે. જેમણે ભારતીય સેનામાં ફરજ બજાવી હતી. અજય બાંગાને વર્ષ 2016માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.