ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ ફરીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાથી ચૂકી ગઈ છે. તેને ટી-20 વર્લ્ડકપના સેમિફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે હાર ખમવી પડી છે. તબિયત ખરાબ હોવા છતાં મેદાન પર બેટથી તોફાની ઈનિંગ રમનારી હરમનપ્રીત કૌર મેચ બાદ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી ન શકી અને પૂર્વ કેપ્ટન અંજુમ ચોપડાને ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. હરમન ઉપરાંત અન્ય ખેલાડીઓ પણ તૂટી ગઈ હોય તેવી રીતે રડવા લાગી હતી.
આ ભાવુક ક્ષણનો વીડિયો આઈસીસીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેઈઝ ઉપર શેયર કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તે પોતાના સીનિયર સાથી અને ટૂર્નામેન્ટમાં હિન્દી કોમેન્ટરી કરી રહેલી અંજુમ ચોપડાને ગળે મળીને રડી રહી હતી. બીજી બાજુ અંજુમની હાલત પણ કંઈક આવી જ હતી. જ્યારે ટીમ ઈન્ડિયા હારી ત્યારે તે એટલી દુ:ખી થઈ હતી કે તેના મોઢામાંથી શબ્દો નીકળવાનું બંધ થઈ ગયું હતું.
મેચ બાદ અંજુમને હરમન અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે માત્ર પોતાની કેપ્ટનને દિલાસો આપવા માંગતી હતી. હરમનની તબિયત ખરાબ હોવા છતાં તે મેદાન ઉપર ઉતરી. જો કોઈ અન્ય મેચ હોત તો તે ન રમત પરંતુ આ સેમિફાઈનલ હોવાથી તે પીછેહઠ કરી શકે તેમ નહોતી. આ ક્ષણ અત્યંત ગમગીન હતી. અમે ગમે એટલી કોશિશ કરી લઈએ પરંતુ ખુદ પર કાબૂ રાખી શકતા નથી. મેચમાં જો પાંચ રન ઓછા હોત તો કદાચ પરિણામ ભારતના પક્ષમાં આવ્યું હોત. જીત સાથે જ ઑસ્ટ્રેલિયન ટીમ સળંગ સાતમીવાર ફાઈનલમાં પહોંચી ગઈ છે. પહેલા વિશ્ર્વકપ 2009ને બાદ કરતાં તે ટૂર્નામેન્ટના દરેક ફાઈનલમાં રમી છે. પાંચ વખતની ચેમ્પિયનને માત્ર એકવાર 2016ના ફાઈનલમાં વિન્ડિઝ સામે હાર મળી હતી. હવે તે રવિવારે ઈંગ્લેન્ડ અથવા આફ્રિકા સામે ફાઈનલમાં ટકરાશે.