ભાવનગર મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ફુલસરના ટીપી સ્કીમમાં વિવાદીત દબાણ દુર કરવા પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન હાથ ધરી બુલડોઝર ફેરવ્યું હતું. ૧૮ જેટલા પાકા બાંધકામ અને ૩ કાચા બાંધકામ પર જેસીબી ફેરવી દઇ તંત્રએ મોટી કાર્યવાહી કરી હતી. છેલ્લા અગિયારેક વર્ષથી આ જમીનનો મામલો વિવાદી હતો અને તાજેતરમાં કોર્ટમાંથી કોર્પોરેશન તરફે ચુકાદો આવતા તંત્રએ આજે ઓપરેશન પાર પાડ્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ ફુલસરમાં વિશ્વકર્મા સોસાયટી પાસે ટીપી સ્કીમ નં.-૨બી માં ફાઇનલ પ્લોટ નં.૩૩ને ખાલી કરાવવા વર્ષ ૨૦૧૨થી કોર્પોરેશન દ્વારા નોટિસ આપી કાર્યવાહી થઇ રહી છે પરંતુ કબ્જેદાર રહિશોએ આ પ્લોટ ટીપી સ્કીમની રચના પૂર્વે ખેડૂત પાસેથી વેચાણથી લીધાનો દાવો કર્યો હતો. જાે કે, ટીપી સ્કીમ અમલમાં આવતા તે વેચાણ માન્ય ન રહે. આથી કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો આ કિંમતી પ્લોટ ખાલી કરાવવા મથામણ ચાલતી હતી અને મામલો કોર્ટમાં પણ ગયો હતો. આખરે ત્રણેક માસ પૂર્વે કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવતા ટાઉન પ્લાનીંગ ઓફિસર ઝાપડીયાએ આજે પોલીસ બંદોબસ્ત મેળવી બે જેસીબી મશીન સાથે પ્લોટ ખાલી કરાવવા માટે ઓપરેશન ડિમોલેશન હાથ ધર્યું હતું. જેમાં ૧૮ જેટલા પાકા બાંધકામ તથા ૩ પાકા ઝુપડા જેવા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ કામગીરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર ડોડીયા, ટેકનિકલ આસિસ્ટન્ટ વૈભવ પરમાર, જતીન ભાયાણી, રાહુલ બલદાણીયા, ગ્રીષ્મા સોજીત્રા તથા હેડ સર્વેયર એ.ટી. રાઠોડ તેમજ વર્ગ-૪ના કર્મચારીઓ સહિત ટાઉન પ્લાનીંગ વિભાગનો કાફલો જાેડાયો હતો.
કરોડોનો કિંમતી પ્લોટ શૈક્ષણિક હેતુ માટે રિઝર્વ
ફુલસરમાં વિશ્વકર્મા સોસાયટી પાસે ટીપીના ફાઇનલ પ્લોટ નં.૩૩માં બન્ને બાજુ ૯ મીટરનો રોડ છે આથી મોકાનો આ પ્લોટની કિંમત રૂા.ત્રણેક કરોડ થવા જાય છે. વધુમાં આ પ્લોટ શૈક્ષણિક હેતુ માટે રિઝર્વ રખાયેલો છે. લાંબા સમયથી રમત-ગમત અને શૈક્ષણિક હેતુ માટે જગ્યા ફાળવવા માંગણી પેન્ડીંગ છે. પ્લોટ પરનું દબાણ હટતા હવે આ પ્લોટ શૈક્ષણિક હેતુ માટે ફાળવી શકાશે તેમ ટાઉન પ્લાનીંગ ઓફીસર ઝાપડીયાએ એક વાતચીતમાં જણાવ્યું હતું.