ભાવનગરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં રહેતા યુવાનની પાછળ બાઈકમાં તલવાર લઈને પીછો કરી,યુવાનને જ્ઞાતિ વિશે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ચાર શખ્સોએ ધમકી આપતા યુવકે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા, નારીરોડ પર આવેલ કૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા પ્રવીણભાઈ ઉર્ફે દાઉદ હીરાભાઈ રાઠોડ ( ઉં.વ. ૩૦ ) ગઈકાલે મોતીતળાવ વિસ્તારમાં તેના મિત્ર ઈરફાનભાઈનું બાઈક લઈને તેમના ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે અગાઉ તેના ભત્રીજા પ્રદીપભાઈ જેસીંગભાઇ રાઠોડે કરેલી એટ્રોસિટીની ફરિયાદની દાઝ રાખી અલ્ફાઝ સાદીકભાઈ ગોરી, અકિલ અનવરભાઈ પઠાણ, અરબાજ અબ્દુલભાઈ પઠાણ અને એજાજ હનીફભાઈ મનસુરીએ બાઈક ઉપર તલવાર સાથે પ્રવીણભાઈનો પીછો કરી પ્રવીણભાઈને ગાળો આપી, જ્ઞાતિ વિશે અપમાનિત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ચમચી આપી હતી. જાેકે આ શખ્સોના મોટરસાયકલમાં પેટ્રોલ ખાલી થઈ જતા પ્રવીણભાઈ હેમખેમ તેના ઘરે પહોંચ્યા હતા.
આ બનાવ અંગે પ્રવીણભાઈએ ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.