જમાલપુર અને બાપુનગરમાં ફાયરિંગ વીથ લૂંટની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યારે હવે શહેરમાં બીજી કોઈ લૂંટ કે પછી મોટી કોઈ ગંભીર ઘટના બને નહીં તે માટે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે અને ગુનેગારોની ધરપકડ કરી રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ લાખ રૂપિયાના હથીયારના જથ્થા સાથે લૂંટ વીથ મર્ડરના ખૂંખાર આરોપી અને તેની ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગ શહેરમાં હથીયારની તસ્કરી માટે આવી હતી કે પછી કોઇ ગુનાને અંજામ આપવા માટે આવી હતી તે મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે સઘન તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બી.યુ. મુરીમા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, પાટણના સમી તાલુકામાં રહેતો અને લૂંટ વીથ મર્ડર તેમજ હથિયારની તસ્કરીના કાંડમાં સંડોવાયેલો હનીફ ઉર્ફે સબીર બેલીમ હથીયારનો જથ્થો લઇને શાંતિપુરા સર્કલ પાસે આવ્યો છે અને તેણે કેટલાક સાગરીતોને હથીયારની ડિલવરી માટે બોલાવ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને હનીફ ઉર્ફે સબીર તેમજ તેના સાગરીતો અસલમ સોલંકી, મોહંમદખાન ઉર્ફે મલેક, આસિફખાન મલેકની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાંચે બંદૂક, રિવોલ્વર, દેશી તમંચો, પિસ્તોલ સહિત ૧ર હથીયાર જપ્ત કર્યાં છે.
કાળુભા રાઠોડ પાસેથી હથીયાર ખરીદયાં હતાં
તમામ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે દુશ્મનાવટ મિટાવવા માટે તેમજ લૂંટ જેવી ઘટનાને અંજામ આપવા માટે હનીફ હથીયાર તેના સાગરીતોને વેચવા માટે આવ્યો હતો. હનીફ અને તેની ગેંગ હથિયાર આતંક ફેલાવે તે પહેલાં ક્રાઇમ બ્રાંચની ટીમે જબરદસ્ત ઓપરેશન પાર પાડીને લૂંટ -મર્ડરનો ભેદ ઉકેલી દીધો છે. હનીફની પૂછપરછમાં સામે આવ્યું છે કે મૌલિકસિંહ ઉર્ફે મુનાબાપુ વાઢેર તેમજ કાળુભા રાઠોડ પાસેથી હથીયાર ખરીદયાં હતાં અને તેની ગેંગમાં આપવાનાં હતાં. હનીફ ખેડબ્રહ્મામાં લૂંટ વીથ મર્ડરની ઘટનામાં વોન્ટેડ હતો.